રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
રાજકોટના મંગળા મેઈન રોડ પર બે કુખ્યાત મરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે સામસામું ફાયરિંગ થયાની ઘટના બનતાં જ પોલીસની શાખ ઉપર ક્યારેય ન ભૂસી શકાય તેવો ધબ્બો લાગ્યો હતો. જો કે રહીસહી શાખ બચાવવા માટે પોલીસ દ્વારા બન્ને ગેંગને પકડીને કાયદાનું ભાન તો કરાવવામાં જ આવ્યું હતું સાથે સાથે અન્ય ગેંગના ટપોરીઓને પણ સબક મળે અને `ગેંગ’ શબ્દ જ ભૂલી જાય તેવી કાર્યવાહી કરી બે મહિનાની અંદર જ મરઘા, પેંડા, બાટલી બાદ હવે થોરાળાની ઓડિયા ગેંગ સામે ગુજસીટોક (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015) હેઠળ ગુનો દાખલ કરી ગેંગમાં સામેલ નવ લોકોને પકડી લેવાયા હતા તો એક અત્યારે પાસા હેઠળ જેલહવાલે હોય ત્યાંથી તેનો કબજો મેળવવામાં આવશે. આ ગુનાની તપાસ એસીપી (પૂર્વ) બી.વી.જાદવને સોંપવામાં આવી છે.

ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયા, પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સહિતની ટીમ દ્વારા બે મહિનાના ટૂંકા ગાળામાં જ ચાર ગેંગ ઉપર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ભોંભીતર કરી દેવામાં આવી હતી.
ચોથી ગેંગ ઉપર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ઓડિયા ગેંગ દ્વારા છેલ્લા દસ વર્ષની અંદર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ, ટોળકી રચી હુમલા કરવા, પોલીસ સહિતના સરકારી કર્મચારીઓ ઉપર હુમલો, હથિયાર રાખવા, એટ્રોસિટી એક્ટ સહિતના 34 ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગેંગનું સંચાલન અવેશ અયુબભાઈ ઓડિયા કરતો હતો જે હાલ પાસા હેઠળ ભાવનગર જેલમાં હોય ત્યાંથી તેનો કબજો મેળવાશે. પોલીસ દ્વારા હવે આરોપીઓએ વસાવેલી મિલકત સહિતની પણ તપાસ કરાશે.
આ પણ વાંચો :હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિનામાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચારેય ગેંગના મળી કુલ 62 ટપોરીઓને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે સાથે સાથે ગેરકાયદેસર મિલકતોને ટાંચમાં લઈ આર્થિક રીતે પણ તેમની કમર તોડી નાખવામાં આવી છે. ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવી અન્ય ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર વાપરવામાં આવશે.
ઓડિયા ગેંગના ટપોરીઓ
- અવેશ અયુબભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- અરબાઝ રફીકભાઈ રાઉમા (રહે.થોરાળા)
- શબ્બીર ઉર્ફે બોદુ સતારભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- ઈમ્તિયાઝ આબીદભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- નયન જ્યોતિષભાઈ દાફડા (રહે.થોરાળા)
- આબીદ ગનીભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- અનિશ આબિદભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- અબ્દુલ અનવરભાઈ દલ (રહે.થોરાળા)
- શાહિદ અશરફભાઈ ઓડિયા (રહે.થોરાળા)
- મિત કિશોરભાઈ પરમાર (રહે.થોરાળા)
