હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
ભાજપને નીતિન નવીનના રૂપમાં નવા પ્રમુખ મળી ગયા છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે.પી. નડ્ડા સહિતના નેતાઓની હાજરીમાં નીતિન નવીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી લીધો હતો. તેઓ નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપના અનેક સિનિયર નેતાઓની હાજરીમાં દિલ્હીમાં ભાજપના વડામથક ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભાજપના નવા પ્રમુખ તરીકે નીતિનને અભિનંદન આપીને એમ કહ્યું હતું કે, આજથી નીતિન મારા બોસ છે અને હું એમનો કાર્યકર છું. આપણે ત્યાં પ્રમુખો બદલાય છે પણ આદર્શ બદલાતા નથી. હું નીતિનને દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના આપું છું.વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજે ભાજપનું જેટલું ફોકસ સંગઠનના વિસ્તાર પર છે એટલી જ મોટી પ્રાથમિકતા કાર્યકરોના નિર્માણ માટે પણ છે. ભાજપ એક એવી પાર્ટી છે જ્યાં સામાન્ય કાર્યકર પણ ટોચના હોદ્દા પર પહોંચી જાય છે. હું ભલે 50 વર્ષની વયમાં મુખ્યમંત્રી બન્યો અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યો પરંતુ આ બધી વાતો એની જગ્યા છે અને તેના કરતા સૌથી મોટી વાત એ છે કે હું ભાજપનો કાર્યકર છું. આ વાત મારા માટે સૌથી વધુ ગર્વની છે. એમણે કહ્યું કે નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે.
આ પણ વાંચો :અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
આ તકે વડાપ્રધાન મોદીએ પાર્ટીના પૂર્વ પ્રમુખોને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે અટલ બિહારી વાજપાયી, અડવાણી અને મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં ભાજપે ઝીરોથી લઇને શિખર સુધીની સફર કરી છે. ત્યારબાદ અમિત શાહના નેતૃત્વમાં દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો બની.
રાજનીતિ ભોગ નથી, ત્યાગ છેઃ પાંચ રાજ્યોની ચૂંટણીમાં સફળતા મેળવીશુંઃ નીતિન
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં નીતિન નવીને કહ્યું હતું કે રાજનીતિ ભોગ નથી પણ ત્યાગ છે. રાજકારણ એશોઆરામ નહીં, તપસ્યા છે અને તેમાં કોઇ પદભાર નથી પણ એક પ્રકારની જવાબદારી હોય છે. એમણે કહ્યું કે ચાલુ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપ તેમાં વધુ મજબૂત બનશે. આપણે એવી પાર્ટી સાથે જોડાયેલા છીએ જ્યાં રાજનીતિ સત્તા નહીં પણ સાધના છે. મારા જેવા સાધારણ કાર્યકરને પાર્ટીના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાનો અવસર મળ્યો તેના બદલ હું સૌનો આભારી છું. એમણે વિશ્વાસ દર્શાવ્યો કે પાંચેય રાજ્યોમાં ભાજપને સફળતા મળશે અને વિજયી થશે.
