અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
દેશમાં ડિજિટલાઈઝેશનના ગાણાં ગાવામાં આવી રહ્યા છે અને દરેક સરકારી કામ હવે આંગળીના ટેરવે થઈ રહ્યા છે તેવા દાવાઓ વચ્ચે અત્યારે સૌથી કપરી સ્થિતિ જો કોઈ વિભાગમાં હોય તો તે રાજકોટ મહાપાલિકાનો જન્મ-મરણ વિભાગ છે. થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા તેમજ નવું આધારકાર્ડ કઢાવવા માટે ક્યુઆર કોડવાળો જન્મનો દાખલો ફરજિયાત કરી દેતાં નવો દાખલો કઢાવવા માટે અરજદારો કચેરીના ધક્કા ખાતાં થઈ ગયા છે ત્યારે આ બધાની વચ્ચે એવી વાસ્તવિક્તા સામે આવી છે કે 2020 પહેલાં જન્મનો દાખલો ક્યુઆર કોડ વગરનો નીકળતો હોય આ પ્રકારના 20 લાખ દાખલા અત્યારે નવેસરથી કઢાવવા પડે તેમ હોવા છતાં સરકાર દ્વારા રોજના 100 દાખલા કાઢી આપવાની મર્યાદા નક્કી કરી નાખતાં લોકોને સહન ન થઈ શકે તેવી પીડાનો અનુભવ કરવો પડી રહ્યો છે.
ચાર મહિના પહેલાં કેન્દ્ર સરકાર હસ્તકના સીઆરએસ પોર્ટલ ઉપર જ જન્મ-મરણના દાખલા કાઢવા સહિતની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવતાં મહાપાલિકાનું પોતાનું પોર્ટલ તેમજ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કામ કરવાનું બંધ કરી દેવાયું છે. વળી, કેન્દ્ર સરકારનું પોર્ટલ વ્યવસ્થિત કામ કરતું ન હોવાની ફરિયાદો ઉપર સુધી પહોંચતાં તેને તો ઠીક કરી દેવામાં આવ્યું છે પરંતુ ક્યુઆર કોડવાળો દાખલો ફરજિયાત બનાવવામાં આવતાં ફરી કચેરીએ ધક્કો ખાવા આવવું પડી રહ્યું છે. મહાપાલિકા દ્વારા 2020 બાદના તમામ દાખલા ક્યુઆર કોડ સાથે કાઢી આપવામાં આવે છે પરંતુ તે પહેલાંના દાખલા કે જેની સંખ્યા 20 લાખ જેટલી થવા જાય છે તેમાં ક્યુઆર કોડ ન હોવાથી હવે તમામ દાખલા નવા કઢાવવા પડે તેવી નોબત આવી પડી છે.
આ પણ વાંચો :પત્નીના પ્રેમમાં અંધ બનેલા યુવકે જ્ઞાતિ બદલી,સાવકા સંતાનોને સેટ કર્યા: પત્નીએ તરછોડી દેતાં અપહરણ કરીને હત્યાનો પ્રયાસ કર્યો,આરોપીની ધરપકડ
બીજી બાજુ અરજદાર જ્યારે ક્યુઆર કોડવાળો દાખલો કઢાવવા માટે જાય ત્યારે તેણે જૂનો દાખલો રજૂ કરવાનો હોય કેન્દ્ર સરકારનું પોર્ટલ તેને સ્વીકારતું ન હોવાને કારણે ધક્કો ખાવા સિવાય કશું જ મળતું નથી ત્યારે હાલત એકદમ ખરાબ હોવાનું કચેરી બહાર લાગેલી લાઈનો પરથી લાગી રહ્યું છે.
