રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારે સવારે બનેલી એક અકસ્માતની ઘટનામાં ભાજપના એક નેતાના યુવાન પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું જયારે એક યુવતીને ગંભીર ઈજા થઇ હતી. ઓવરટેક કરવાની લ્હાયમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ હિંમતનગરથી રાજકોટ જઈ રહી હતી જયારે કાર સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહી હતી.
આ ઘટનાને નજરે નિહાળનારે આપેલી માહિતી અનુસાર, ગાંધીનગર તરફ જઈ રહેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 18 EF 9)ના ચાલકે પૂરઝડપે વૈષ્ણોદેવી બ્રિજના છેડે આગળ જતી એક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટી બસ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.
ફોર્ચ્યુનર બસ સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી એક બે્રઝા કાર પણ બસ સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ફોર્ચ્યુનર કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રસ્તા પર ગાડીના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી.
આ પણ વાંચો :એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા ધવલ વાઘેલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને વકીલ આઈ. બી. વાઘેલાનો પુત્ર છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર દેવાંશી યોગેશ પંડ્યા (ઉ.વ.21)ને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ઈજાગ્રસ્તોમાં અફસાનાબાનુ ખલીફા (23) અને રસુલભાઈ આજમ (32)ને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. એસટી બસના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.
