નોનવેજના શોખીન સાહેબને લઇ સ્ટાફને મૂંઝવણ, રોજ ક્યાંથી લાવવું,બજેટમાં શું નવું કરીએ લોકોએ ‘વાહવાહી’ કરવી જ પડે ? વાંચો કાનાફૂસી
રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રમાં એક અધિકારી એવા કે મળેતો જેમને બન્ને ટાઈમ નોનવેજ જોઈએ. હા, નોનવેજ જમનારા અનેક કર્મચારીઓ, અધિકારીઓ કે સામાન્ય વ્યક્તિઓ હોય ખરા પણ બન્ને ટાઈમ આપો તો બન્ને સમય માત્ર નોનવેજ જ ચાલે એવા આ સાઈડ ઓછા હોય. કારણ કે, બન્ને સમય નોનવેજ બનાવવું અને પચાવવું પણ એક પ્રકારની ડ્યુટી (કસરત) જ થઈ પડે. રાજકોટ જિલ્લાના નવા નવેલા અધિકારીને નોનવેજ એટલે ઘી કેળા જેવું છે. સાહેબને તો સ્ટાફ ના પણ કેમ કહી શકે. એવા પણ હશે ટીમમાં કે જે લેતા નહીં હોય પરંતુ સાહેબ લે અને સાહેબ છે એટલે કરવું પણ શું ? સાહેબને ત્યાં સુધી તો બરોબર પણ સાહેબ માટે લાવીને આપવું પડે એ નહીં ગમનારાઓને કાઠું પડે. સાહેબની ડિમાન્ડ વેજની નહીં નોનવેજની વધુ રહે. વેજ માંગે તો જે મેનું જોઈએ, જેવું માંગે એવું લાવી આપે કારણ કે, વેજની હોટલો પણ એટલી હોય અને સાહેબના હોટલનું ભોજન ન ભાવે તો સ્ટાફ ઘરેથી પણ લાવી શકે. જ્યારે નોનવેજ તો સ્ટાફ માટે પણ રોજરાજે કોને કહેવું, ક્યાંથી કાઢવું ? જેવી ઉપાધિ બની જાય. સાહેબને બંગલો કે રહેણાંક પણ મોટા સાહેબો જેવું જોઈએ. સ્ટાફ કે અન્ય અધિકારીઓ અંદરો અંદર એવી કાનાફૂસી કરતા રહે કે હજુ તો નવા છે ને આટલી ડિમાન્ડ કે શોખ છે, જૂના થશે ને જ્યાં જશે ત્યાંના સ્ટાફનું શું થશે ? જે રીતે વાતો થાય છે એ સત્ય હોય તો ખરું કહેવાય હો.
વાઇબ્રન્ટમાં પોલીસનું ટ્રાફિક મેનેજમેન્ટ રહ્યું સોનાની થાળીમાં લોઢાની મેખ જેવુ !!
રાજકોટમાં યોજાયેલા વાઈબ્રન્ટ સમિટે રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક, વેપારી ક્ષેત્રે નવી વૈશ્વિક ઓળખાણ અપાવી. સમિટમાં વડાપ્રધાન મોદી ઉપરાંત દેશ-વિદેશના મહાનુભાવો આવ્યા. સમિટના આયોજનમાં આવેલા મહેમાનો, ઉદ્યોગકારોને બધું બરોબર લાગ્યું, લાખો-કરોડના એમઓયુ થતાં આંતરિક વ્યવસ્થાથી લઈ સુરક્ષા વ્યવસ્થા સારી રહી પરંતુ ક્યાંક થાપ ખવાઈ તો ટ્રાફિક મેનેજમેન્ટમાં, મોરબી રોડને જોડતા માર્ગો પર સતત ત્રણ દિવસ સુધી ટ્રાફિક જામના દૃશ્યો રહ્યા. મંત્રીઓ, મહાનુભાવો ફસાયા, કેટલાકને તો સમિટમાં સમયસર પહોંચવા પોતાના વાહનો છોડીને પગપાળા જવું પડ્યું તેવી સ્થિતિ થઈ પડી હતી. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ જે રીતે વાહન ટો, વહીવટી ચાર્જ, વસુલી, વાહન ચેકિંગના નામે એક્ટિવ રહે છે એ મુજબ જો બે-ત્રણ દિવસ વાઈબ્રન્ટ સમિટમાં પણ એલર્ટ રહી હોત તો કદાચ આવી રીતે ટ્રાફિક જામ ન રહ્યો હોત, સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું ન બનેત. ટ્રાફિક જામને લઈને ફસાયેલા મહાનુભાવોથી લઈ સામાન્ય લોકો આવી કાનાફૂસી કરતા રહ્યા હશે. ટ્રાફિક પોલીસના અધિકારીઓથી લઈ નાનો સ્ટાફ પણ સતત સતર્ક કે ખડેપગે રહ્યો હશે પરંતુ બે દિવસની વી-વીઆઈપી મૂવમેન્ટમાં ક્યાંક ટ્રાફિક રોકવો પડે, રસ્તા બ્લોક કરવા પડે તેવા કારણોસર પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હશે.
ઉતાવળે આંબો પકાવવા ગયા’ને આખો ફાલ બગાડ્યો !!
મહાપાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે અને તેમાં પીછેહઠ કરવી ન પડી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. ઉમદા દિમાગ ધરાવતાં અધિકારીઓની ફૌજ હોવા છતાં અત્યાર સુધીમાં અનેકવાર એવું બન્યું છે જેમાં નિર્ણય લેવાઈ ગયા બાદ કાં તો ફેરફાર કરવો પડ્યો હોય અથવા તો નિર્ણયને જ મોકુફ રાખવો પડ્યો હોય ! આવું જ કંઈક પ્લોટના વેચાણમાં થયું છે. તંત્રની તિજોરી તળિયાઝાટક હોવાને કારણે નવું નાણાકીય વર્ષ શરૂ થાય અને નવું બજેટ જાહેર થાય તે પહેલાં સોનાની લગડી જેવા આ પ્લોટનું વેચાણ કરી આવક-જાવક સરભર કરવાના ઈરાદે આ જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે તેને ગ્રહણ લાગ્યું હોય તેમ પ્રકારે પ્લોટની હરાજી મોકુફ રાખવી પડી છે. અમુક વર્ગ એવું કહી રહ્યો છે કે ત્રણેક જેટલા પ્લોટની હરાજી સામે હિતધારકોએ કોર્ટના દ્વાર ખટખટાવતાં હવે આ મુદ્દો કાનૂની બની ગયો છે ત્યારે જો આ વાત સત્ય હોય તો અધિકારીઓની બુદ્ધિ ફરી એકવાર સવાલના દાયરામાં આવી જાય છે કેમ કે અબજો રૂપિયાની કિંમત ધરાવતા આ પ્લોટ વેચાણમાં મુકતાં પહેલાં તેમણે તમામ પ્રકારના મુદ્દા ધ્યાન પર લેવાની જરૂર હતી. જો આ મુદ્દા ધ્યાન પર ન લેવાયા હોય તો તે બેદરકારી જ ગણાય’ને ? આ ઉપરાંત અમુક વર્ગ એવું પણ કહી રહ્યો છે અમીન માર્ગ સહિતના પ્લોટમાં વધુ લેવાલ ન આવતા હરાજી મોકુફ રખાઈ છે ત્યારે અહીં પણ સવાલ એ ઉપસ્થિત થાય કે મોકાનો પ્લોટ હોવા છતાં લેવાલ ન આવે તે આશ્ચર્યજનક વાત છે ત્યારે શું પ્લોટની કિંમત નક્કી કરવામાં ગોથું ખવાઈ ગયું હશે ? ખેર, સત્ય જે હોય તે પરંતુ હાલ તો પ્લોટનું વેચાણ કરવાના રૂપમાં ઉતાવળે આંબો પકાવવા ગયા’ને આખો ફાલ બગડી ગયા જેવો તાલ સર્જાયો છે !!
આ પણ વાંચો :સંગમ તટ પર સંગ્રામ! શંકરાચાર્યએ કર્યો સ્નાનનો બહિષ્કાર: ભક્તોને માર મારવામાં આવ્યાનો શંકરાચાર્યનો આરોપ, અવિમુક્તેશ્વરાનંદ ધરણા પર બેઠા
યાદ રાખજોઃ અધિકારીઓ વેરા વધારશે, શાસકો લાગુ જ નહીં થવા દેઃ આ `રમત’ હવે બધાં જાણી ગયા છે !
દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026-27નું મહાપાલિકાનું બજેટ જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે ચૂંટણી હોય તમામ ફૂંકી ફૂંકીને છાશ પી રહ્યા છે ત્યારે આ વખતે એક વાત યાદ રાખવી જ પડશે અને એ વાત એ છે કે આ વખતે પણ અધિકારીઓ દ્વારા પ્રજા ઉપર કમ્મરતોડ વેરાબોજ ઝીકવામાં આવશે જેથી જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી અભ્યાસ કરીને બજેટને મંજૂરી નહીં આપે ત્યાં સુધી પ્રજા પોતાનો બળાપો ઠાલવશે. આ `રમત’ને બહુ નજીકથી જાણતાં શાસકો વેરાબોજમાંથી પણ ફાયદો શોધી કાઢશે અને કલમના એક ઝાટકે વેરાબોજ મંજૂર થવા દેશે નહીં. આમ કરીને તેઓ ચૂંટણીલક્ષી ફાયદો પણ મેળવી લેશે સાથે સાથે પ્રજામાં `અમે તમારા ઉપર એક પૈસાનો પણ વેરાબોજ આવવા દીધો નથી’ તેવી સુફિયાણી વાતો પણ કરશે. આમ તો મોંઘવારીનો માર સહન કરી રહેલી બાપડી પ્રજા ઉપર વેરાનો ભાર ન આવે તે વાત જરૂરી છે પરંતુ હવે સૌ કોઈ આ `રમત’થી વાકેફ થઈ ગયા છે તે વાત અધિકારીઓ અને શાસકોએ ભૂલવી ન જોઈએ.
બજેટમાં એવું તો શું નવું કરીએ લોકોએ `વાહવાહી’ કરવી જ પડે ? શાસકો `દૂરબીન’ લઈને બેઠા છે !
આ વર્ષે મહાપાલિકાની ચૂંટણી હોવાને કારણે 2026-27ના બજેટમાં લોકોને કંઈક નવું અને આકર્ષક આપવું જરૂરી છે તેવું માનીને શાસકો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. કચેરીમાં એવી કાનાફૂસી પણ સાંભળવા મળી હતી કે નેતાઓ અત્યારે લોકોની `વાહવાહી’ લૂંટી શકાય તે પ્રકારની યોજના જાહેર કરવા માટે `દૂરબીન’ લઈને બેઠા છે ! આવું એટલા માટે કેમ કે રોડ-રસ્તા, ગંદકી સહિતના મુદ્દે શાસકો ઉપર 2025ના ચોમાસામાં જે પ્રકારે માછલા ધોવાયા છે તેવા કદાચ અત્યાર સુધી ક્યારેય ધોવાયા નથી એટલે ચૂંટણીમાં ધોવાણ ન થાય અને મતદારોને મોઢું બતાવી શકાય એટલા માટે લોકોને શિરાની જેમ ગળે ઉતરી જાય અને હજમ પણ થઈ શકે તે પ્રકારની યોજનાઓ જાહેર કરવા માટે અત્યારે મગજ દોડાવવામાં આવી રહ્યું છે. જે પણ યોજના જાહેર થશે તેનાથી લોકોને ફાયદો તો મળશે પરંતુ આ યોજના ચૂંટણી પૂરતી જ મર્યાદિત ન રહે તેનું પણ શાસકોએ ધ્યાન રાખવું પડશે.
