રોહિતને કેપ્ટનપદેથી હટાવવા ગંભીરે અગરકરના ખભે બંદૂક મૂકી ફોડી’તી! પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ચોંકાવનારો દાવો
ભારતને બે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારા રોહિત શર્મા પાસેથી અચાનક જ ટીમ ઈન્ડિયાની કમાન છીનવી લેવામાં આવી હતી. જો કે અજીત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ શુભમન ગીલને કેપ્ટન બનાવી તેને 2027 વર્લ્ડકપ માટેની તૈયારીની શરૂઆત ગણાવી હતી. જો કે ક્રિકેટરસિકોને આ નિર્ણય હજુ સુધી સમજાયો નથી.
હવે પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તીવારીએ દાવો કર્યો છે કે આ નિર્ણય અજીત અગરકરની કમિટીએ લીધો હતો પરંતુ તેના ઉપર હેડ કોચ ગૌતમ ગંભીરનું દબાણ હતું. આ દાવા બાદ ગંભીર ફરીવાર રોહિત શર્માના ચાહકોના નિશાન પર આવી શકે છે જે પહેલાંથી જ રોહિત શર્માના ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બદલ ગંભીરને જવાબદાર ગણે છે.
આ પણ વાંચો :નાના હાથ, મજબૂત મુક્કા: લિટલ માસ્ટર પ્લે હાઉસના 14 બાળકોએ મેળવી કરાટેમાં બ્લેક બેલ્ટની સિદ્ધિ કરી હાંસલ
તિવારીએ કહ્યું કે હું નથી જાણતો કે પ્રાથમિક કારણ શું હતું પરંતુ હું અજીત અગરકરને ઓળખું છું. તે એકદમ મજબૂત વ્યક્તિ છે અને આકરા નિર્ણય લેવાથી ગભરાતા નથી. જો કે રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવવા માટે ખભો અગરકરનો હતો પરંતુ બંદૂક કોઈ બીજુ ચલાવી રહ્યું હતું. એકંદરે ગંભીરે જ રોહિતને કેપ્ટનપદેથી હટાવ્યાનું મનોજ તિવારીનું કહેવું હતું.
