બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા: રાજકોટની 650 જેટલી સ્કૂલોમાં 22મી સુધી પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓનો ડર દૂર થશે
રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનો પરીક્ષા ભય દૂર કરવા અને તેમને બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી વાકેફ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનો મહત્વપૂર્ણ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. “પાણી પહેલાં પાળ” જેવી કહેવતને સાકાર કરતા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં બોર્ડ પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 16 થી 22 દરમિયાન રાજ્યભરની શાળાઓમાં યોજાઈ રહી છે.
બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપનારા વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ ખૂબ ઉપયોગી સાબિત થયો છે. સામાન્ય રીતે આખું વર્ષ મહેનતપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં ભય, તણાવ અને આત્મવિશ્વાસની કમી જોવા મળે છે. ઘણીવાર પૂરતી તૈયારી હોવા છતાં પરીક્ષા હોલના માહોલ, બેઠક વ્યવસ્થા અને સમયની મર્યાદાને કારણે વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :વેરો ન ભરનારા સામે સીલિંગનો ધોકો પછાડતી રાજકોટ મનપાઃ વધુ 78 મિલકત સીલ, બાકીદારોએ 4.92 કરોડ રૂપિયાની કરી ભરપાઈ
રાજકોટ શહેરની અંદાજે 650 જેટલી શાળાના આશરે 40,000 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રિ-બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રનો નમૂનો, સમયનું આયોજન અને જવાબ લખવાની યોગ્ય પદ્ધતિનો અનુભવ મળી રહ્યો છે. પરિણામે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ભય ઘટ્યો છે અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
