રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડીના પાટીયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: માસીયાઈ ભાઈ-બહેનનાં મોત
રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે કાગદડી ગામના પાટીયા પાસે ભયાનક અકસ્માતમાં બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. વાછકપર બેડી ગામનો પરિવાર વાંકાનેર રહેતા પરિચિતના ઘરેથી ઉત્તરાયણનો તહેવાર મનાવી પરત ફરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે પરિવારની કારને ટક્કર મારતા, ૩ વર્ષના બાળક અને ૯ માસની બાળકીએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે બે પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, વાછકપર બેડી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ મદરેસાણીયા તેમનો પરિવાર અને સાળીઓ સાથે વાંકાનેર ખાતે રહેતા સાઢુભાઈ અજયભાઈ બાબરીયાના ઘરે ઉત્તરાયણ મનાવવા ગયા હતા. તહેવાર પૂર્ણ કરી રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ તેઓ પોતાની અલ્ટ્રોઝ કાર (GJ 36 AL 9928) માં વાછકપર પરત ફરી રહ્યા હતા.કાગદડી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ રાજકોટથી મોરબી તરફ જતી બેફામ સ્પીડમાં આવતી સ્કોર્પિયો કાર (GJ 04 FA 7771) ધડાકાભેર તેમની સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અલ્ટોઝ કારનો કુરચો બોલી ગયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૩ વર્ષના મોક્ષ અજયભાઇ બાબરીયા અને ૯ માસની શ્રેયા અનિલભાઈ મદરેસાણીયાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. મોક્ષ તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું, જ્યારે શ્રેયા તેના ભાઈ-બહેનમાં નાની હતી.
આ અકસ્માતમાં મોક્ષના પિતા અજયભાઈ સુરેશભાઈ બાબરીયા (ઉં.વ. 32) અને તેમની માસી ધર્મિષ્ઠાબેન રમેશભાઈ વાઢૂકિયા (ઉં.વ. 16)ને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ બંને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઘટનાની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તહેવારના દિવસે જ બે માસૂમ જીવ હણાઈ જતા બે પરિવારોમાં શોક છવાઈ જવા પામ્યો છે.
