રાજકોટમાં ન્યુઝીલેન્ડની ટીમે રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો: પહેલીવાર બીજો દાવ લેનારી ટીમ બની વિજેતા
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર ન્યુઝીલેન્ડે ભારતને બીજી વન-ડે મેચમાં હરાવી શ્રેણી 1-1થી સરભર કરી હતી. હવે શ્રેણીનો અંતિમ મુકાબલો 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં થશે. આ સાથે જ રાજકોટમાં ન્યુઝીલેન્ડે એક રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જે અત્યાર સુધી રાજકોટમાં રમાયેલી વન-ડે મેચમાં બન્યો ન્હોતો.
રાજકોટમાં રમાયેલી પાંચ વન-ડે મેચ
| વર્ષ | મેચ | પરિણામ |
| 2026 | ભારત-ન્યુઝીલેન્ડ | ન્યુઝીલેન્ડ 7 વિકેટે જીત્યું |
| 2023 | ભારત-ઑસ્ટ્રેલિયા | ઑસ્ટ્રેલિયા 66 રને જીત્યું |
| 2020 | ભારત-ઑસ્ટ્રેલિયા | ભારત 36 રને જીત્યું |
| 2015 | ભારત-આફ્રિકા | આફ્રિકા 18 રને જીત્યું |
| 2013 | ભારત-ઈંગ્લેન્ડ | ઈંગ્લેન્ડ 9 રને જીત્યું |
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર અત્યાર સુધી જે પણ મેચ રમાઈ છે તે દરેકમાં પહેલાં બેટિંગ કરનારી ટીમ જ વિજેતા બની છે પરંતુ ન્યુઝીલેન્ડે લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી હતી જે રાજકોટમાં પહેલીવાર બનવા પામ્યું હતું. ન્યુઝીલેન્ડે અહીં પહેલો વન-ડે મુકાબલો રમ્યો હતો. આ ગ્રાઉન્ડ ઉપર કુલ પાંચ મેચ રમાઈ છે જેમાં ચાર મેચ ભારત હારી ગયું છે તો એકમાત્ર મેચમાં જીત મળી હતી.
આ સાથે જ ન્યુઝીલેન્ડે ભારત સામે સળંગ આઠ મેચમાં પરાજય મેળવ્યા બાદ પ્રથમ જીત હાંસલ કરી હતી. ન્યુઝીલેન્ડ 2017થી ભારત સામે વન-ડે મેચ હારી રહ્યું હતું.
