પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી ડૉ જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરીઝમ દ્વારા યોજાયેલ સેમિનારમાં રૂ.250 કરોડનાં પાંચ એમઓયુ એક્સચેન્જ કરાયા હતા. આ એમઓયુ પ્રવાસન તથા હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરશે.આ સાથે સેમિનારમાં કોસ્ટલ ટુરીઝમ, સ્પિરિચ્યુઅલ ટુરીઝમ અને આર્કિયોલોજીકલ ટુરીઝમ અંગે પરિસંવાદ યોજાયા હતાં.
આ સાથે હેરિટેજ ટુરીઝમ એસોસિએશન દ્વારા “પેહલે ગુજરાત દેખો” પુસ્તિકનું વિમોચન કરાયું હતું.

રોડ રસ્તા, ટ્રેન, હવાઈ સેવા સહિત ઇન્ફાસ્ટ્રક્ચર સુવિધાથી હેરિટેઝ સહિત રાજ્યનાં પ્રવાસન સ્થળોએ લાખો સહેલાણીઓ દર વર્ષે “ખુશ્બુ ગુજરાત કી” નો અનુભવ કરે છે. મંત્રીએ વિશેષમાં કહ્યું કે, પ્રવાસન સ્થળોથી સ્થાનિક વાનગીઓની મીઠાશ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. તેમણે મિલેટ નાગલી, કાઠિયાવાડી ભોજન સહિત વાનગીઓને પર્યટકો પસંદ કરતા હોવાનું કહ્યું હતું. લઘુ, સુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી ડૉ.ગામીતે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંગે પ્રવાસન સેક્ટરનાં યોગદાન વિશે વિચાર વ્યક્ત કર્યા હતા. ગુજરાતને મળેલ અનન્ય ભૌગોલિક સુંદરતાને માણવા દેશ વિદેશના પર્યટકો વધુને વધુ સંખ્યામાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી પતંગ મહોત્સવ, ગરબા, રણોત્સવ, મેળાઓ સહિતનાં પર્વો ગ્લોબલ લોકપ્રિય બન્યા છે.

તેમણે ગુજરાતમાં આવેલા પુરાત્તન મંદિરો, હેરિટેઝ બિલ્ડીંગ્સ, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાતનાં કોસ્ટલ એરીયા, ગીર નેશનલ પાર્ક, કચ્છ સહિત પ્રવાસન સ્થળોનાં વિકાસથી રોજગારી ઊભી થતી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વિરાસતને આગળ વધારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અંગે વિચાર વ્યક્ત કર્યા હતા.
ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં ગીર, રોડ ટુ હેવન, ગીરનાર, ધોળાવીરા, સોમનાથ, દ્રારકા, પોરબંદર, શિવરાજપુર બીચ સહિત કોસ્ટલ અને ઈકો ટુરીઝમ સહિત સ્થળોની દેશ વિદેશમાં વધી રહેલી લોકપ્રિયતાથી વધુ રોજગારી જનરેટ થતી હોવાનું ઉમેર્યું હતું.
આ સેમિનારમાં રેવન્યુ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, ગિરીશ કુલકર્ણી, માતા વૈષ્ણોદેવી બોર્ડના સચિન કુમાર વૈષ્ય, ટુરીઝમ વિભાગના રિજનલ ડાયરેક્ટર મોહમ્મદ ફારુક, સહિત વિદેશથી આવેલ ડેલિગેશન, ઉદ્યોગ સાહસિકો અને પ્રવાસન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંચાલન ક્રિના શાહ તેમજ આભારવિધિ ખ્યાતિ નાયકે કરી હતી.
