રાજકોટના કાલાવડ રોડ પર બે ફ્લેટના તાળાં તોડી 9.49 લાખની ચોરી: મહિલા જૂનાગઢ માતાના ઘરે ગયા બાદ ચોરીને અપાયો અંજામ
રાજકોટમાં શનિ-રવિવાર દરમિયાન પોલીસ વડાપ્રધાનના બંદોબસ્તમાં વ્યસ્ત રહી હોવાને કારણે આ વાતનો તસ્કરોએ લાભ લઈ લીધો હોય તેમ બે ફ્લેટમાંથી 9.49 લાખની ચોરી તેમજ એક ફ્લેટમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધાતાં જ દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે કાલાવડ રોડ પર સાંઝા ચૂલા હોટેલની પાછળ ગોકુલમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ નં.સી-202માં રહેતા જ્યોત્સનાબેન લાલજીભાઈ બગડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ 10 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે માવતરના ઘરે ગયા હતા ત્યારે પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરના તાળા તૂટ્યા છે. આ પછી જ્યોત્સનાબેન તુરંત જ જૂનાગઢથી રાજકોટ આવવા નીકળ્યા હતા અને ઘેર આવીને જોતાં ફ્લેટમાં લોખંડના કબાટનો લોક તૂટેલો જોવા મળ્યો હતો અને તેમાં 1.25 લાખની રોકડ તેમજ સોનાના ઘરેણા મળી કુલ 9.34 લાખની ચોરી થયાનું ધ્યાન પર આવ્યું હતું.
આ ઉપરાંત ગોકુલમ કો-ઓપરેટિવ સોસાયટીની બાજુમાં આવેલી એકલવ્ય સોસાયટીમાં જી-306માં રહેતા મોહિતભાઈ ખીમજીભાઈ લાડવાના ઘરમાં પણ 15000ની ચોરી થયાનું ધ્યાન પર આવ્યું હતું તો જ્યોત્સનાબેનની સોસાયટીમાં જ બી-204માં રહેતા રેખાબેન રાજેશભાઈ રાઠોડના ઘરના તાળા તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આમ બે ફ્લેટમાં ચોરી અને એક ફ્લેટમાં ચોરીનો પ્રયાસ થતાં જ રહેવાસીઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
