રાજકોટમાં પાલતુ કૂતરાને લીધે મારામારી: કૂતરાએ યુવક પર હુમલો કર્યો હોવાનો ખાર રાખી પરિવાર પર હુમલો
રાજકોટ શહેરમાં સામાન્ય વાતમાં થતી મારામારીની ઘટના વધી રહી છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નવા 150 ફૂટ રીંગ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાલતુ કૂતરાએ એક યુવક પર હુમલો કર્યો હોય આ વાતનો ખાર રાખીને બે કારમાં ધોકા-પાઇપ જેવા હથિયાર લઈને ઘસી આવેલા 6 શખસોએ દંપતીના ઘર પથ્થરમારો કરી આંતક મચાવતાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, નવા 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા અને મનપામાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં ફરિયાદી જોસનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ. 28)એ આરોપી તરીકે રામ સોલંકી, તુફાન બાબરીયા, લાલુ ચંદુભાઈ મૈયડા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં આવેલ વંડો જે રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા અને લાલુભાઈ મૈયડાનો હોય ત્યાં કેટલાક શખસો બેસી રહે છે. ગત રવિવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ એક માણસ પાણી લેવા ઘરમાં ઘૂસતા જોસનાબેનનો પાળેલ કૂતરો તેની તરફ દોડ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટના હીરાસર એરપોર્ટ વિસ્તારમાં હવે પશુઓ નહીં ઘુસી શકે: ફેન્સિંગ લગાવાઈ, વડાપ્રધાન મોદીનાં આગમન પૂર્વે ખાસ ડિઝાઇન સાથે બેરીકેડ લાગ્યાં
દેકારો થતાં જોસનાબેન અને તેમના પતિ દીપકભાઈએ બહાર આવીને જોયું તો તે યુવકને સામાન્ય ઉજરડો પડ્યો હતો. દંપતીએ યુવકને સમજાવ્યું કે કૂતરાને વેક્સિન આપેલી છે એટલે ચિંતા જેવું નથી, પરંતુ તે યુવક ઉશ્કેરાઈ ગયો હતો.અને બોલાચાલી કર્યા બાદ તેણે ફોન કરતા બે કારમાં ત્રણેય આરોપીઓ અને તેમની સાથે કેટલાક શખસો ધસી આવ્યા હતા. આરોપીઓ ધોકા-પાઇપ લઈને દંપતીને મારવાનો પ્રયાસ કરતા બચવા માટે બંને પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા. જે બાદ ઘર પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં જોસનાબેન અને તેમના પતિને મુંઢ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
