PM મોદી ગુજરાતની મુલાકાતે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું કરશે રોકાણ, જુઓ વડાપ્રધાનના બે દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ!
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન બાદ હેલિકોપ્ટર દ્વારા રાજકોટ પહોંચશે, જ્યાં તેમનું હેલિકોપ્ટર બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલા ખાસ હેલિપેડ પર લેન્ડિંગ કરશે.
શનિવારે હીરાસર એરપોર્ટ ઉપર PM મોદીનું ટૂંકુ રોકાણ
જાન્યુઆરી 10
- 14-30 દિલ્હી એરપોર્ટથી રવાના
- 16-25 રાજકોટ એરપોર્ટ આગમન
- 16-30 એરપોર્ટથી હેલીકોપ્ટર દ્વારા રવાના
- 17-35 સોમનાથ હેલીપેડ આગમન
- 17-40 સોમનાથ હેલીપેડથી રવાના
- 17-45 સોમનાથ સર્કીટ હાઉસ આગમન
- 17-45 થી 18-45 મીટીંગ અને રાત્રી રોકાણ
જાન્યુઆરી 11
- 9-45 સોમનાથ મહાદેવ મંદિરમાં આગમન
- 9-45 થી 10-45 દર્શન અને પૂજા
- 10-25થી 10-45 શૌર્ય યાત્રા
- 11-00 જાહેરસભા સ્થળે આગમન
- 11 થી 12 જાહેર સભા
- 12-10 સોમનાથ હેલીપેડ આગમન
- 12-15 સોમનાથ થી રાજકોટ જવા રવાના
- 13-20 રાજકોટ હેલીપેડ આગમન
- 13-30 મારવાડી યુનિવર્સિટીમાં આગમન
- 13-35 ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદઘાટન
- 14 થી 15-15 વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન
- 15-25 હેલીપેડ ઉપર આગમન
- 15-30 હીરાસર એરપોર્ટ જવા રવાના
- 15-50 હીરાસર એરપોર્ટ આગમન
- 15-55 IAF દ્વારા અમદાવાદ જવા રવાના
- 16-45 અમદાવાદ એરપોર્ટ આગમન
- 17-00 સાબરમતી આશ્રમની મુલાકાત
- 18-30 રાજભવન આગમન અને રાત્રી રોકાણ
રાજકોટના બેડી યાર્ડમાં વડાપ્રધાનનાં હેલિકોપ્ટર માટે 3 હેલિપેડ તૈયાર
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને બેડી યાર્ડની વિશાળ અને સુરક્ષાની દ્રષ્ટિએ અનુકૂળ જગ્યાની પસંદગી કરવામાં આવી છે, જેનો હવાલો હવે એસ.પી.જી. દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે. આ સ્થળે કુલ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સોમવારથી હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ ચૂકી છે. અગાઉ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં હેલિપેડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં યોજનામાં ફેરફાર કરી બેડી યાર્ડની જમીન, જ્યાં તાજેતરમાં સીસી પેવર રોડ બનાવાયો છે અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે વધુ અનુકૂળ જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં યોજાનારી આ ભવ્ય વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો તથા પ્રતિષ્ઠિત મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોના આગમનને લઈને વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક બની છે અને તમામ વ્યવસ્થાઓની અંતિમ તૈયારી ચાલી રહી છે.
વડાપ્રધાન સાથે જાપાન, યુક્રેન, કોરિયા અને આફ્રિકાનાં પોલિટિકલ લીડર્સ સ્ટેજ પર બેસશે
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ જોવા મળશે. સમિટના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર જાપાન, યુક્રેન, સાઉથ કોરિયા અને આફ્રિકાના દેશોના રાજકીય આગેવાનો હાજર રહેશે. વિવિધ દેશોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓની હાજરીથી વાઈબ્રન્ટ સમિટને વૈશ્વિક મંચ તરીકે નવી ઓળખ મળશે.આ ચારેય દેશ આ સમિટ માટે પાર્ટનર બન્યા છે.બપોરે 1 થી 3 દરમિયાન ઉદ્ઘાટન સમારોહમાં આ 4 દેશનાં પોલિટિકલ લીડર્સ સાથે ત્યાંના બિઝનેસમેન જોડાશે.જેમના સેશન પણ રાખવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વ્યાપાર ક્ષેત્રે સહકાર અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે. વિદેશી રાજકીય આગેવાનો સાથેના સંવાદથી ભારત અને અન્ય દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રાજકોટના બેડી યાર્ડમાં વડાપ્રધાનનાં હેલિકોપ્ટર માટે 3 હેલિપેડ તૈયાર: PM સાથે જાપાન, યુક્રેન, કોરિયા,આફ્રિકાનાં પોલિટિકલ લીડર્સ સ્ટેજ પર બેસશે
રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી 10,000થી વધુ MSMEનું રજિસ્ટ્રેશન
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈને ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમિટમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ વિસ્તારના કુલ 10,000 એમએસએમઇ ઔદ્યોગિક એકમોએ નામ નોંધણી કરાવી છે, જે આ સમિટ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વ્યાપાર ક્ષેત્રે સહકાર અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે. એમએસએમઇ એકમોને વૈશ્વિક રોકાણકારો સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળશે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને નવી તકો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાનાં માર્ગદર્શન હેઠળ એન્જીનીયરીંગ એસો.હોલ ખાતે વાઈબ્રન્ટ સમિટને લઈ ને જાણકારી આપતો સેમિનાર ગઈકાલે યોજાયો હતો.જેમાં ક્યાં દિવસે ક્યાં વિષય પર સેમિનાર, કોન્કલેવ ક્યાં યોજાશે તેની સમગ્ર માહિતી સૌરાષ્ટ્ર-કચ્છનાં ઉદ્યોગકારોને ઓનલાઈન આપવામાં આવી હતી.
