સોમનાથમાં PM મોદીના હસ્તે મહાઅભિષેક અને મહાભસ્મ આરતી થશે: વડાપ્રધાન ‘સોમનાથ ગાથા’ ઉપર નો ડ્રોન શો નિહાળશે
કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લેખમાં કહ્યુ કે, સોમનાથ એ માત્ર મંદિર નથી પરંતુ આસ્થાનું કેન્દ્ર છે. ભારતનું સ્વાભિમાન છે. આ વાત અક્ષરસ સાચી છે. આ મંદિરનું વાતાવરણ જ એવુ છે કે અહી આવનાર કોઈ પણ મહાદેવ ભક્ત અભિભૂત થયા વગર રહી ન શકે. અહી રોજેરોજ મહાદેવના અલગ અલગ શણગાર સાથેના દર્શન તો અલભ્ય છે જ સાથોસાથ શ્રાવણ માસ કે શિવરાત્રીએ થતી પૂજાનું પણ ઘણું મહત્વ છે. આ મંદિર ઉપર હુમલો કરીને તેને ખંડિત કરવાની ઘટનાને એક હજાર વર્ષ પસાર થઇ ગયા છે પરંતુ આ મંદિરને ફરીથી બેઠુ કરવામાં આવ્યું છે અને આજે પ્રથમ જ્યોતિર્લીંગ સ્વરૂપે અડીખમ ઉભુ છે. આ મંદિરમાં થતી પૂજાનું તો મહત્વ છે જ પરંતુ મહંમદ ગઝનવીના હુમલાને 1000 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થશે તે અનેક રીતે વિશેષ છે.
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં તા. 8 થી 11 એમ કુલ ચાર દિવસ વિશેષ કાર્યક્રમો યોજાયા છે અને મહત્વનું એ છે કે, આ ચારમાંથી બે દિવસ તો વડાપ્રધાન મોદી ખુદ હાજર રહેવાના છે. મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ પર્વની ઉજવણી થશે. સ્વાભિમાન પર્વ અંતર્ગત જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તે કાંઇક વિશેષ છે. સૌપ્રથમ તો 8 જાન્યુઆરી એટલે કે ગુરુવારથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ શરુ થશે. આ અખંડ નાદમાં બાળકો, યુવાનો અને વેદના જાણકાર લોકો જોડાશે. આ બધા જુદી જુદી બેચમાં વારાફરથી જોડાશે. ભજન મંડળીઓ પણ આ મંત્રનાદમાં જોડાશે.
આ પણ વાંચો :1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે બજેટ : રવિવાર, શેરબજારમાં રજા અને ગુરુ રવિદાસ જયંતિ હોવા છતાં સરકાર એ જ દિવસે બજેટ રજૂ કરવા મક્કમ
બીજુ મહત્વનું આયોજન 1000 યુવાનો દ્વારા શંખનાદ થશે. આ પછી મહાઆરતી થશે અને કલા આરાધના કાર્યક્રમ યોજાશે. આ પછી તા. 9ના રોજ અખંડ મંત્ર નાદ ચાલુ રહેશે અને શંખનાદ પણ થશે. પ્રથમ દિવસની જેમ જ મહા આરતી અને કલા આરાધના કાર્યક્રમ યોજાશે.
તા. 10મીએ વડપ્રધાન સોમનાથ આવવાના હોવાથી થોડી ચહલપહલ વધુ દેખાશે. મંત્રોચ્ચાર અને શંખનાદ તથા મહા આરતી અને કલા આરાધના કાર્યક્રમ ઉપરાંત વડાપ્રધાન મોદીની હાજરીમાં સોમનાથ ગાથા વિષયક ગ્રાન્ડ ડ્રોન શો યોજાશે. આ ડ્રોન શો પછી વડાપ્રધાન રાત્રી રોકાણ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં જ કરવાના છે. આ સ્વાભિમાન પર્વ અંતર્ગત સૌથી મહત્વના કાર્યક્રમો તા.11મીએ યોજવાના છે.
11મીને રવિવારે સવારે વડાપ્રધાન મોદીના હસ્તે મહાભિષેક અને મહાભસ્મ આરતી યોજાશે. ઘણા લાંબા સમય બાદ નરેન્દ્ર મોદીના હસ્તે મહાઆરતી અને મહાભસ્મ આરતી યોજાનાર છે. આ પછી સોમનાથ મહાદેવના પ્રાંગણથી એક શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્ય યાત્રામાં 108 અશ્વસવાર જોડાશે અને તેની પાછળ નરેન્દ્રભાઈ મોદી પગપાળા આ યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન જુદા જુદા રાજ્યોના પરંપરાગત નૃત્ય પણ જોવા મળશે. આ યાત્રાની સમાપ્તિ સ્થળે વડાપ્રધાન મોદી એક શૌર્ય સભાને પણ સંબોધિત કરશે. આ સભાની સમાપ્તિ બાદ વડાપ્રધાન હેલીકોપ્ટર મારફત રાજકોટ આવશે અને વાઈબ્રન્ટ સમિટને ખુલ્લી મુકશે.
ભાજપના નેતાઓને આજે જ સોમનાથ પહોંચવા સૂચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા માટે આવી રહ્યા છે અને તા.8 થી જ સ્વાભિમાન પર્વ શરુ થઇ રહ્યું છે તે પૂર્વે તા. 7મીએ જ ભાજપના નેતાઓને સોમનાથ પહોંચી જવા સુચના આપવામાં આવી છે. ભાજપના એક નેતાએ કહ્યુ હતું કે, ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને મહાનગરના પ્રમુખો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, માર્કેિંટગ યાર્ડ તથા ડેરીના ચેરમેન સહિતનાને તા. 7મીએ સોમનાથમાં હાજર રહેવા જણાવાયુ છે.
