અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવામાં આવશે : ‘રૂડા’ની બોર્ડ બેઠકમાં 98.45 કરોડ મંજૂર
રાજકોટમાં વસતી, વિસ્તાર અને વાહન ત્રણેયમાં વધારો થઈ રહ્યો હોવાથી મહાપાલિકા તેમજ રૂડા દ્વારા શહેરને જોડતાં રસ્તાઓને અત્યારથી જ ફોર-લેન અથવા સિક્સ-લેન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સિલસિલામાં નવા રિંગરોડનું પાંચમા તબક્કાનું કામ કે જે અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવાનું છે તે શરૂ કરવા માટે 98.45 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ રિંગરોડને અલગ-અલગ તબક્કામાં ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે જેમાં પ્રથમ તબક્કામાં જામનગર રોડથી કાલાવડ રોડ, બીજા તબક્કામાં કાલાવડ રોડથી ગોંડલ રોડ, ત્રીજા તબક્કામાં ગોંડલ રોડથી ભાવનગર રોડ, ચોથા તબક્કામાં ભાવનગર રોડથી અમદાવાદ રોડને ફોર-લેન બનાવવાનું કામ અત્યારે પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ રોડથી મોરબી રોડને ફોર-લેન બનાવવા માટે પાંચમા તબક્કાનું કામ માસાંતે શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો :ઉડી ઉડી જાય…રાજકોટમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ-દોરાના બજારમાં તેજીનો પવન, રણવીર-અક્ષય ખન્નાના ફોટાવાળી ધુરંધરની પતંગોનો જબરદસ્ત ક્રેઝ
આ માટે તાજેતરમાં જ મળેલી `રૂડા’ની બોર્ડ બેઠકમાં ખર્ચને મંજૂરી અપાયા બાદ ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. પાંચમો તબક્કો શરૂ થયા બાદ 18 મહિનામાં કામ પૂર્ણ થવાની શક્યતા છે. આ તબક્કો પૂર્ણ થયા બાદ મોરબી રોડથી જામનગર રોડ અને એઈમ્સ હોસ્પિટલને જોડતાં રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. એકંદરે આ તમામ તબક્કા ચાર વર્ષથી ચાલી રહ્યા છે.
