રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો (એકાએક) રદ્દ: નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ ઉતરી સોમનાથ જવા રવાના થશે, ત્યાં જ કરશે રાત્રિરોકાણ
આ રવિવારે એટલે કે 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જો કે આ કાર્યક્રમ પહેલાં તેમનો ભવ્ય રોડ-શો નીકળશે તેવી વાત છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી. શુક્રવારે પ્રભારી મંત્રી સહિતનાએ રોડ-શોના રૂટનું નિરીક્ષણ કર્યા બાદ રવિવારે શહેર ભાજપની બેઠક પણ મળી હતી જેમાં દોઢ લાખની મેદની એકઠી કરવાનો લક્ષ્યાંક આપવા ઉપરાંત જૂના એરપોર્ટથી આમ્રપાલી બ્રિજ સુધીનો રૂટ પણ નક્કી કરાયા બાદ સોમવારે આ રોડ-શો નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી હતી.
નવો જે કાર્યક્રમ સામે આવ્યો છે તે પ્રમાણે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર આવી પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થશે. સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનવીએ હુમલો કર્યો તેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય સોમનાથ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી `અતૂટ આસ્થા કે 1000 વર્ષ’ની થીમ ઉપર સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત થયા હોય મોદી તેમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો :રાજકોટમાં ‘ઈન્દોરવાળી’ રોકવા મનપાની આરોગ્ય શાખાએ પાણીના 555 સેમ્પલ લીધાં! એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યાનું જાહેર
શનિવારે રાત્રિરોકાણ સોમનાથમાં કર્યા બાદ રવિવારે સવારે પણ તેઓ ત્યાં જ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે સોમનાથથી હેલિકોપ્ટર મારફતે રવાના થઈ મારવાડી યુનિવર્સિટી ખાતે તૈયાર કરાયેલા ખાસ હેલિપેડ ઉપર લેન્ડીંગ કરશે. મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરી ખાસ તૈયાર કરાયેલા ડોમમાં ઉદ્યોગપતિઓ તેમજ ઉપસ્થિત મહેમાનોને સંબોધન કરશે. અંદાજે દોઢેક કલાક સુધી મારવાડી યુનિવર્સિટી ખાતે રોકાણ કર્યા બાદ વડાપ્રધાન હિરાસર એરપોર્ટ રવાના થશે અને ત્યાંથી ખાસ વિમાન મારફતે મુંબઈ પહોંચશે જ્યાં જૈન સમાજ આયોજિત કાર્યક્રમમાં પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમમાં હાજરી આપી 12 જાન્યુઆરીએ અમદાવાદ આવી પહોંચશે.
રોડ-શો રદ્દ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો !! નવેસરથી બંદોબસ્ત સ્કીમ તૈયાર કરાઈ
અગાઉ વડાપ્રધાનનો રોડ-શો યોજાશે તેવી ગતિવિધિઓ તેજ બની જતાં પોલીસ તંત્ર દ્વારા રોડ-શોને ધ્યાનમાં રાખી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી હતી. અન્ય જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે બોલાવવાની તૈયારીઓ ચાલી રહી હતી બરાબર ત્યારે જ રોડ-શો રદ્દ થતાં પોલીસ સહિતના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ હવે માત્ર મારવાડી યુનિવર્સિટી ખાતે જ કાર્યક્રમનું આયોજન હોય નવેસરથી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું.
