આખરે સાળંગપુર મંદિરમાંથી વિવાદાસ્પદ ભીંતચિંત્રો હટાવાયા
સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી તેવી ચોખવટ
સાળંગપુરના કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની 45 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઇને મોટો વિવાદ ઊભો થયા બાદ અંતે ઘી નાં ઠામમાં ઘી પડી ગયું છે… અને નક્કી થયા મુજબ ગઈ મોડી રાત્રે વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા છે.
ગઇ કાલે સ્વામિનારાયણ સંતો દ્વારા ચિત્રો હટાવવાની જાહેરાત બાદ આજે સૂર્યોદય પહેલાં જ વિવાદાસ્પદ બે ચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચિત્રો હટાવાતા આખરે આખો મામલો થાળે પડ્યો છે. સનાતન ધર્મના સંતોએ અને ભક્તોએ આ નિર્ણયને આવકારી ખૂશી વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાળંગપુર મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો લગાવતા હોબાળો મચી ગયો હતો. આ વિવાદનું સમાધાન કરવા માટે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકની ગણતરીની પળોમાં જ આ વિવાદનો સુખદ અંત આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. અને હકીકતમાં પણ એ જ બન્યું.
આ મુદ્દે સોમવારે સાંજે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે સૂર્યોદય પહેલાં આ ચિત્રો હટાવી લેવામાં આવશે. વધુમાં આ પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, વડતાલ પીઠાધિશ્વર રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ છે. અને વૈદિક ધર્મની પરંપરા અને પૂજા પદ્ધત્તિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાય સંતો આદરપૂર્વક પાલન કરે છે.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોથી જે લાગણી દુભાઇ છે તે ભીંચચિત્રો આવતી કાલે સૂર્યોદય પહેલાં હટાવી લેવામાં આવશે. ઉપરાંત સમાજમાં સમરસતા જળવાઇ રહે એ હેતુથી બીજા બધા વિવાદાસ્પદ મુદ્દા અંગે વિશ્વ હિન્દુ પરિષદ , સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો, તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર-પરામર્શ બેઠક ટૂંક સમયમાં જ યોજાશે