એક વર્ષમાં રાજકોટના 7440 યુગલે ખાધો લગ્નનો લાડું! લગ્ન બાદ તુરંત જ યુગલે મેરેજ સર્ટિ. માટે મહાપાલિકા કચેરી તરફ મુકી દોટ
રાજકોટમાં પાછલા વર્ષોની તુલનાએ 2025માં લગ્ન બાદ યુગલ દ્વારા મેરેજ સર્ટિફિકેટ ઝડપથી કઢાવી લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોય એક વર્ષની અંદર કુલ 7440 યુગલના મેરેજ સર્ટિ. ઈશ્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રમાણે રાજકોટમાં દૈનિક સરેરાશ 20 જેટલા યુગલ લગ્નના તાંતણે બંધાયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અગાઉ મેરેજ કર્યાના લાંબા સમય બાદ યુગલ મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કચેરીએ પહોંચતું હતું પરંતુ હવે વિદેશ જવા, સરકારી નોકરીઓ તેમજ અન્ય સરકારી કામ માટે મેરેજ સર્ટિફિકેટ હોવું જરૂરી બની ગયું હોવાથી લગ્ન બાદ વિલંબ કર્યા વગર પહેલું કામ લગ્ન નોંધણી કરાવીને સર્ટિફિકેટ લેવાનું થઈ રહ્યું છે. આ પ્રમાણે 2025ના વર્ષમાં કુલ 7440 યુગલે લગ્નનો લાડું ખાધો હતો.સૌથી વધુ 808 લગ્ન માર્ચ મહિનામાં નોંધાયા હતા.
આ પણ વાંચો :8મુ પગાર પંચ લાગુ; કેન્દ્રીય કર્મીઓ-પેન્શનરો માલામાલ થશે,જાણો ક્યારથી મળશે એરિયર્સ અને વધેલો પગાર?
આ સિવાય જાન્યુઆરીમાં 683, ફેબ્રુઆરીમાં 583, એપ્રિલમાં 740, મેમાં 778, જૂનમાં 714, જૂલાઈમાં 741, ઓગસ્ટમાં 417, સપ્ટેમ્બરમાં 402, ઑક્ટોબરમાં 291, નવેમ્બરમાં 519 અને ડિસેમ્બરના 761 મળી કુલ 7440 લગ્ન મહાપાલિકા કચેરીમાં નોંધાઈને સર્ટિફિકેટ ઈશ્યુ થયા હતા. લગ્નની નોંધણી રાજકોટની હદમાં જ પ્રસંગ યોજાયો હોય તો થઈ શકે છે. આ પ્રમાણે રાજકોટ જિલ્લામાં રહેતા હોય પરંતુ લગ્ન શહેરની હદના કોઈ પાર્ટી પ્લોટ અથવા કોમ્યુનિટી હોલમાં થયા હોય તો મેરેજ સર્ટિફિકેટ અહીંથી જ ઈશ્યુ થાય છે.
