એક જ ક્લિક પર બોર્ડનાં વિદ્યાર્થીઓને મળશે પ્રશ્ન બેંક! ધોરણ 10-12ની પરીક્ષા પહેલા ડિજિટલ પ્રશ્ન બેંક-મોડલ પેપરનું લોન્ચિંગ
બોર્ડના વિદ્યાર્થીઓને હવે એક જ ક્લિક પર પ્રશ્નબેંક મળી જશે, ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડલ પેપરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં 40 વિષય માટે અનુભવી શિક્ષકો દ્વારા 80 જેટલા પ્રશ્નપત્ર તૈયાર કરી એક વિષયમાં 300 પ્રશ્નોના સમાવેશ કરાયો છે.
ચાર વર્ષથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરાય છે જેમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તે માટે પ્રશ્ન બેંક લોન્ચ કરાય છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 80 જેટલા ડિજિટલ પ્રશ્ન બેંક તેમજ મોડેલ પેપર લોન્ચ કરાયા છે.
બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક જ ક્લિક પર આ પ્રશ્ન મેળવી શકશે. ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 વિષયોનો સમાવેશ થયો છે.
જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નની સુવિધા ઉપલબ્ધ થઈ છે, સ્કૂલ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓને લીંક મોકલી આપવામાં આવશે જેના કારણે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે મદદ મળી રહેશે.
વિદ્યાર્થીઓ પસંદગીની ભાષામાં મટીરીયલ મેળવી શકશે, શેર કરવામાં આવેલી ઈમેજ કે લિન્ક પર ક્લિક કરવાથી અથવા ક્યુઆર કોડ કરવાથી સીધુ પોર્ટલ ખુલી જશે. છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓને પણ આ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.
