રાજકોટમાં 67,000 લોકોનો વ્યવસાય વેરો 13 વર્ષથી બાકી! પોલીસ ફરિયાદનું હથિયાર ઉગામવાની તંત્રની તૈયારી
જેવો જાન્યુઆરી માસ શરૂ થાય એટલે રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને વસૂલાતનું `યાદ’ આવતું હોય તે પ્રકારે રીતસરની તડાપીટ બોલાવવામાં આવી રહી છે. મિલકતવેરાની વસૂલાત તો ધીમા પગલે ચાલી રહી છે ત્યારે હવે વ્યવસાય વેરો વસૂલવાનું પણ તંત્રને સૂઝ્યું હોવાથી એક સાથે 67,000 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ બાકીદારોનો વ્યવસાય વેરો છેલ્લા 13 વર્ષથી બાકી છે આમ છતાં તંત્ર કડક બનીને તેમની પાસેથી વેરો ઉઘરાવી શક્યું નથી તે પણ નોંધનીય બાબત છે.
આ અંગે ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે જે 67,000 બાકીદારોને નોટિસ અપાઈ છે તેમાંથી મહત્તમ બાકીદારોએ દર વર્ષે 2400 રૂપિયાનો વેરો ભરપાઈ કરવાનો હોય છે. જો કે 2012-13માં વેરો ભરપાઈ કર્યા પછી એક પણ રૂપિયો વેરા પેટે ચૂકવ્યો ન હોવાથી હવે આવતીકાલે શુક્રવારથી ઝોનવાઈઝ ઝુંબેશ શરૂ કરી વસૂલાત શરૂ કરવામાં આવશે. એકંદરે બાકીદારો પોતાને જરૂર હોય ત્યારે જ વેરો ભરપાઈ કરતા હોવાને કારણે તંત્ર હવે પોલીસ ફરિયાદ કરવા સહિતનું હથિયાર ઉગામવાની તૈયારીમાં પણ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો :વેપારીને ઘેર જવાની ઉતાવળ રૂપિયા 4 લાખમાં પડી! રાજકોટના ઓમનગર સામે પૂનમ પ્લાયવૂડની દુકાનમાં ચોરી, જાણો શું છે મામલો
પ્રથમ તબક્કામાં વેસ્ટ ઝોન હેઠળના બાકીદારોને દર શુક્રવારે સાંભળવામાં આવશે અને સુનાવણી પણ સ્થળ ઉપર જ કરાશે. મહાપાલિકા દ્વારા દર વર્ષે વેરા બિલ તો મોકલવામાં આવે છે પરંતુ બાકીદાર દ્વારા તેનું ચૂકવણું કરવામાં આવતું જ નથી. અત્રે એ ઉલ્લેખ પણ કરવો જરૂરી છે કે જે બાકીદારનો વ્યવસાય વેરો બાકી હશે તેને નવું નળ કનેક્શન લેવું હશે કે પછી કોઈ ટેન્ડર ભરવું હશે તો પહેલાં બાકીવેરો ચૂકતે કરવો પડશે અન્યથા તેનું કામ થશે જ નહીં.
અનેક બાકીદારોને એવી ગેરસમજ કે વ્યવસાય વેરો નાબૂદ થઇ ગયો છે
અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા દર વર્ષે પ્રોફેશનલ ટેક્સ ભરપાઈ કરતા બાકીદારોને વેરા બિલ મોકલવામાં આવે છે આમ છતાં અનેક બાકીદારોમાં એવી ગેરસમજ ફેલાઈ ગઈ છે કે વ્યવસાય વેરો છેલ્લા બે વર્ષથી નાબૂદ થઈ ગયો છે ! આવા બાકીદારોને દર શુક્રવારે ઝોનવાઈઝ બાકીદારોને સાંભળવામાં આવનાર છે તેમાં આ વાતની પણ સમજ આપવામાં આવશે.
