રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં શ્રમિક મહિલા, નિવૃત રેલવે કર્મચારી અને એક અજાણ્યા યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્રણેય કિસ્સામાં અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ ગયા છે, જેને પગલે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનવાની વિગતો મુજબ, મોરબી રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારે સાંજના સમયે કામ પરથી પરત ફરી રહેલા સુમલીબેન નગરૂભાઇ બામણીયા (ઉ.વ.45) નામના મહિલાને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વેલનાથપરામાં રહેતા સુમલીબેન જૂના માર્કેટ યાર્ડમાં મજૂરી કરી પોતાના 4 દીકરીઓ અને 2 દીકરાઓનું ગુજરાન ચલાવતા હતા.ગંભીર ઇજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી ઘટનામાં જૂના માર્કેટ યાર્ડના ગેટ પાસે આરએમસી હુડકો ક્વાર્ટરમાં રહેતા અને નિવૃત રેલવે કર્મચારી બાબુગર અચરગર ગોસાઇ (ઉ.વ.72) સવારે શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે એક બેફામ બાઇકચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બાબુગરનું હોસ્પિટલમાં મોત થયું હતું. પરિવારના મોભીના જવાથી ગોસાઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હિટ એન્ડ રનની ત્રીજી ઘટના કોઠારીયા રોડ પર આજીડેમ પોલીસ સ્ટેશન નજીક બની હતી. આશરે 35 થી 38 વર્ષની વયના એક અજાણ્યા યુવાનને કોઈ વાહન ઠોકરે મારી ભાગી ગયું હતું. 108 મારફતે યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. મૃતક યુવાને લાલ ટી-શર્ટ અને કાળું પેન્ટ પહેરેલું છે. તેની ઓળખ થાય તેવી કોઈ વસ્તુ મળી ન હોવાથી આજીડેમ પોલીસે તેના વાલીવારસને શોધવા તજવીજ હાથ ધરી છે. ત્રણેય બનાવને પગલે બી ડિવિઝન અને આજીડેમ પોલીસે ફરાર વાહન ચાલકોને પકડી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
