પ્રદેશ ભાજપના નવા માળખામાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય : રાજકોટ શહેરને ‘રાહ’ દેખાડાઇ! મહત્વપૂર્ણ પદ 4 મહામંત્રી પૈકી બે સૌરાષ્ટ્રના જેતપુર, સુરેન્દ્રનગરના યુવા અગ્રણી લેવાયા
ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન માળખું ગઈકાલે શનિવારના રોજ જાહેર થયું. 27 મુખ્ય હોદ્દેદારોની ટીમમાં સૌરાષ્ટ્રને પુરતું પ્રાધાન્ય મળ્યું કે અપાયું પરંતુ રાજકોટ શહેરને વધુ એક વખત `રાહ’ દેખાડાઈ છે. મહામંત્રી પદના મહત્વપૂર્ણ હોદ્દામાં જેતપુર, સુરેન્દ્રનગરના બે યુવા ચહેરાને સ્થાન અપાયું છે. જ્યારે 10 પૈકી ત્રણ-ત્રણ ઉપપ્રમુખ પદ પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરને અપાયા છે. મંત્રી પદમાં એક હોદ્દેદાર જામનગરના સમાવાયા છે. જ્યારે રાજકોટ શહેરના કોઈપણ વર્તમાન ધારાસભ્ય કે પૂર્વ પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો પૈકીના એક પણનો મહત્વપૂર્ણ 24 હોદ્દાઓમાં ક્યાંય પણ સ્થાન મળ્યું નથી. મંત્રી મંડળમાં માઈનસ થયા, સંગઠનમાં રાહ દેખાડાઈ, હવે ક્યાંક નવું કોઈ સ્થાન મળશે ખરું ? તેવી આશા કે રાહ રાજકોટના હોદ્દેદારોને રહેશે.
પ્રદેશ ભાજપના પ્રમુખપદે સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આ જવાબદારી ગત ઓક્ટોબર માસમાં જગદીશ વિશ્વકર્માને સોંપાઈ હતી. પ્રદેશ પ્રમુખ બદલતા નવું માળખું આવશે, જાહેર થશે, આજ જાહેરાત, કાલે જાહેરાત જેવી વાતો ચાલતી હતી જેનો ગઈકાલે અંત આવ્યો હતો. એ પૂર્વે રાજ્ય સરકારના નવા મંત્રી મંડળની રચના થઈ હતી. મંત્રી તરીકે રાજકોટના એકાદ ધારાસભ્યને તો સ્થાન મળશે જ તેવી સ્થાનિક સ્તરે ભાજપમાં આશાવાદ હતો. મંત્રી મંડળમાં કોઈ નવા તો ન સમાવાયા પણ એક હતા ભાનુબેન તેમને પણ પડતા મુકી દેવાયા હતા.
મંત્રી મંડળમાં રાજકોટના કોઈને સ્થાન ન મળતા પ્રદેશ પ્રમુખ નવા આવતા હવે પ્રદેશ સંગઠન માળખામાં તો રાજકોટનો દબદબો રહેશે જ અને ખાનગી રીતે કેટલાકને મનમાં અંકુર પણ ફૂટેલા હતા કે આપણું સ્થાન પાક્કા જેવું હશે. ગઈકાલે સંગઠનનું માળખું જાહેર થતાં મુખ્ય 24ની ટીમમાં રાજકોટને કોઈ જગ્યાએ ક્યાંય સ્થાન મળ્યું નથી. એક માત્ર મીડિયા ઈન્ચાર્જ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વખતે કાર્યરત પ્રશાંત વાળાને સ્થાન અપાયું છે. બાકી ક્યાંય રાજકોટનો ગજ વાગ્યો નથી.
નવા માળખામાં સી.આર. પાટીલની ટીમના મહત્તમ હોદ્દેદારોમાં બદલાવ કરાયો છે. યુવા ચહેરાઓને વિશ્વકર્માની ટીમમાં વધુ સ્થાન મળ્યું છે. મહામંત્રી પદે રાજકોટ જિલ્લાના જેતપુરના વતની પૂર્વ મંત્રીના પુત્ર અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટને તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રમોશન મળ્યું છે. બન્ને યુવા ચહેરાને મહામંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા પણ સાચવવા પ્રયાસ થયો છે. ગોંડલના વતની અને પોરબંદરના પૂર્વ સાંસદ લેઉવા પટેલ આગેવાન રમેશભાઈ ધડુકને તેમજ જૂનાગઢ જિલ્લાના સાંસદ કોળી સમાજના યુવા અગ્રણી રાજેશભાઈ ચુડાસમાને ઉપપ્રમુખ બનાવાયા છે. સુરેન્દ્રનગરને મહામંત્રી સાથે ઉપપ્રમુખ પદ પણ મળ્યું છે. ગૌતમ ગેડિયાનો સમાવેશ કરાયો છે. જ્યારે એક મંત્રીપદ જામનગરના ફાળે ગયું છે. આશાબેન નકુમને મંત્રી બનાવાયા છે. રાજકોટ શહેરમાં થોડા સમયથી પ્રદેશ અને કેન્દ્રીય સંગઠન નેતાગીરીનું આવાગમન વધુ પડતું રહેતું હતું જેથી રાજકોટ શહેરમાંથી સંગઠનમાં તો આ વ્યક્તિ કે કોઈને કોઈને તો મહત્વનું સ્થાન મળશે જ તેવી સ્થાનિક ભાજપમાં તેમજ રાજકીય વર્તુળોમાં વાતો ચાલતી હતી પરંતુ ગઈકાલે લિસ્ટ જાહેર થતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. હવે નવી રાહ જોવાની રહી.
એક કાંકરે… પ્રશાંત કોરાટ ખોડલધામથી નજીક સુરેન્દ્રનગર, કચ્છને પણ લાભ થયો
નવા સંગઠન માળખામાં એક કાંકરે કેટલું થઈ ગયું અથવા તો રાજકીય ગણિત આગામી પ્રાદેશિક ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સંગઠનના ચોગઠા ગોઠવાયા હોઈ શકે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર વોટ બેન્ક જાળવી રાખવા માટે તેમજ કદાચિત આપનો મજબૂત પાટીદાર ચહેરો ગોપાલ ઈટાલિયા સહિતના પાસાને ધ્યાને લઈ લેઉવા પાટીદારના યુવા ચહેરો તેમજ ખોડલધામ સાથે જોડાયેલા જેતપુરના પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવાયા છે તેમજ લેઉવા પાટીદારના પીઢ અગ્રણી રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ બનાવાયા છે. જ્યારે ગત લોકસભામાં ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધુ આકરાં જેવો હતો. કદાચ જે પાસાનેે લઈને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ સંગઠન રાજકીય બઢતી સાથે મહામંત્રી બનાવવામાં આવ્યા હોઈ શકે. આવી જ રીતે થોડા વખતથી ભાજપમાં બ્રહ્મસમાજનું મહત્વ કે સ્થાન ઘટી રહ્યાનો ગણગણાટ કે ક્યાંક મીટિંગોનો દોર પણ શરૂ થયો હતો. જેને લઈને કચ્છના અનિરૂધ્ધભાઈ દવેને મહામંત્રી પદ આપીને બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ આપ્યું બની શકેની રાજકીય ગલીયારામાં વાતો છે.
