અહો આશ્ચર્યમ! એક એકરના 900 કરોડ રૂપિયા…મુંબઈમાં થયો દેશનો સૌથી મોટો જમીનનો સોદો, ઓકશનમાં અધધધ..નાણાં ઉપજયા
મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં દેશનો સૌથી મોટો જમીનનો સોદો થયો છે. અહી એક એકર જમીનનો ભાવ 900 કરોડ રૂપિયા થયો છે અને આવી અઢી એકર જમીન 22.50 અબજ રૂપિયામાં વેંચાઈ છે.
આ જમીનની માલિકી રેલવે મંત્રાલય હેઠળ આવતા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની હતી અને તેણે હરાજીમાં આ જમીન ઇન્ફેકોનના દિનેશચંદ્ર અગ્રવાલને વેંચી છે.
આ ઓક્શનમાં દેશના અનેક મોટા ડેવલપર્સે હાજરી આપી હતી. આ ઓક્શનમાં ચાર અગ્રણી ડેવલપર્સે પ્લોટ માટે બોલી લગાવી હતી.દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફેકોન આ પ્લોટ માટે બોલી લગાવવામાં અગ્રેસર હતા અને તેમણે જ 2,250 કરોડ રૂપિયામાં આ પ્લોટ લીઝ પર લીધો હતો. આ સિવાય શોભા રિયાલ્ટીએ 1,232 કરોડ રૂપિયાની તો લોઢા ગ્રુપે 1,161 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આરએમઝેડ ગ્રુપના એક યુનિટે પણ આ ઓક્શનમાં ભાગ લીધો હતો.
રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ મુંબઈમાં અને એમાં પણ ખાસ કરીને મહાલક્ષ્મી જેવા પોશ એરિયામાં, મોકાની જગ્યાની ખૂબ જ માગણી છે. નિષ્ણાતોના મતે, મહાલક્ષ્મી એ મુંબઈનું એવું કેન્દ્ર છે જે રેલ્વે, કોસ્ટલ રોડ અને બિઝનેસ હબ સાથે ખૂબ જ સારી કનેક્ટિવિટી પણ ધરાવે છે.
આ જમીન 99 વર્ષના ભાડાપટ્ટા પર આપવામાં આવી છે. આ પ્લોટની અનામત કિંમત ₹993 કરોડ રાખવામાં આવી હતી, પરંતુ બોલી તેનાથી બમણાથી પણ વધુમાં ગઈ છે.સૌથી વધુ બોલી લગાવનાર ડેવલપરને શરૂઆતમાં ₹100 કરોડ ચૂકવવા પડશે. આ પછી 80 ટકા રકમ 6 વર્ષમાં અને પૂરી રકમ 8 વર્ષમાં ચુકવવાની રહેશે.
