સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો : સવા માસમાં જ પકડ્યો 6.65 કરોડનો 1 લાખ બોટલ દારૂ! 8.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
ગાંધીનું ગુજરાત તો ખરું જ પરંતુ સૌરાષ્ટ્ર તો તેમની જન્મભૂમિ, દારૂબંધીવાળા રાજ્ય ગુજરાતમાં લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ ઘૂસે છે અને સામે પકડાય પણ છે. સૌરાષ્ટ્રમાં પણ કરોડોનો દારૂ પહોંચે છે. માત્ર સવા માસના સમયગાળા જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ સપાટો બોલાવીને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં સાત સ્થળેથી અધધ કહી શકાય તેટલો 6.65 કરોડથી વધુની કિંમતનો એક લાખથી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ટ્રક અન્ય વાહનો મળી 8.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 24 શખસોની દરોડાઓ દરમિયાન ધરપકડ કરી સપ્લાયર્સ, બુટલેગરો મળી 45થી વધુ વોન્ટેડ રહ્યા.
રાજ્યભરમાં ક્યાંય સ્થાનિક પોલીસની મીઠી નજર (મંજૂરી) કે પછી તેમની ધ્યાન બહાર, અજાણ્યા ક્યાંય દારૂ, જુગાર કે આવી અસામાજિક બદીઓ ચાલતી હોય તો તેના પર સ્ટેટ મોનિટરિંગ (SMC) ડાયરેક્ટ રેઈડ કે આવી કાર્યવાહી કરે છે. સૌરાષ્ટ્રમાં ગત મે માસ બાદ છએક માસ દરમિયાન SMCના દરોડા સાવ ઘટ્યા કે નહીંવત બન્યા હતા. કદાચ એ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં દારૂ ઓછો આવતો હશે. સૌરાષ્ટ્રમાં છેલ્લા છ માસથી શૂન્યાવકાશ જેવી બનેલી કામગીરીને ગત માસથી ફરી ગતિ મળી છે. SMCની ટીમો સૌરાષ્ટ્રમાં એક્ટિવ મોડમાં આવી ને ધડાધડ દરોડા પાડી ટ્રક મોઢે દારૂ પકડે છે.
આ પણ વાંચો :વિદ્યાર્થીઓની સંખ્યા પર ગ્રાન્ટ નિર્ભર! શહેરમાં 80% અને ગ્રામ્ય વિસ્તારમાં 55% હાજરી હશે તો જ સ્કૂલોને 100% ગ્રાન્ટ
ગત માસે તા.19-11થી ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં દરોડાઓનો દૌર શરૂ કરાયો છે. વેરાવળમાં 44,23,220ની કિંમતનો 19,375 બોટલ દારૂ સાથે ટ્રક અને અન્ય વાહનો સાથે ત્રણને પકડી પાડ્યા હતા. જ્યારે 12 શખસો સામે ગુનો નોંધાવ્યો હતો. ડિસેમ્બર માસના આરંભથી તો ધડાધડ દરોડા શરૂ થયા છે. ગત તા.3ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચાટીલાના નાની મોલડી પાસે હોટલ નજીક ગ્રાઉન્ડ પર ઉભેલા ટ્રકમાંથી 1,77,81,360ની કિંમતનો 28,404 બોટલ દારૂ અને વાહનો મળી 2,13,61,76ના મુદ્દામાલ સાથે સાત શખસોને પકડી પાડ્યા હતા. અન્ય પાંચ વોન્ટેડ રહ્યા. ચાર દિવસ બાદ તા.17-12ના રોજ રાજકોટ જિલ્લાના આટકોટ પાસે હોટલના પાર્કિંગમાં 2,22,62,319ની કિંમતના 26,724 બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે બેની ધરપકડ કરી, ચાર વોન્ટેડ રહ્યા અને કુલ રૂા.2,47,95,419નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંચ દિવસના અંતરે તા.12ના મોડી રાત્રી બાદ અમરેલી જિલ્લાના બાબરા નજીક હોટલ પાછળથી 17280 બોટલ વિદેશી દારૂ સાથેનો ટ્રક મળી 95,29,610ના મુદ્દામાલ સાથે પાંચને સ્થળ પરથી પકડી લેવાયા. પાંચ વોન્ટેડ બતાવાયા.
‘વોઇસ ઓફ ડે’એ થોડા સમય પહેલા જ SMCનો કાન આમળ્યો હતો

ગત તા.14-12ના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક જાખણમાં વાડીમાંથી 43,49,700ની કિંમતની 3409 બોટલ વિદેશી દારૂ સાથે બેને ઝડપી લેવાયા, અન્ય સાત સામે ગુનો નોંધાવાયો. બીજા દિવસે તા.15ના રોજ ચોટીલા નજીક હોટલના પાર્કિંગમાં 6550 બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઝડપી લીધો, અન્ય ત્રણ વોન્ટેડ રહ્યા. મોરબી જિલ્લાના ટંકારા નજીક બંગાવડી ગામ પાસેથી 42,19,057ની કિંમતની વિદેશી દારૂની 3072 બોટલ સાથે બેની ધરપકડ કરી હતી. અન્ય આઠ સામે ગુનો નોંધાવાયો. SMC દ્વારા દરોડા દરમિયાન જે શખસો પકડાયા હોય તેની સ્થળ પર પૂછતાછ તપાસમાં ખૂલ્યા મુજબ દારૂ મંગાવનારા બુટલેગર, જથ્થો મોકલનારાઓ તેમજ જે વાહનોમાં દારૂની હેરાફેરી થતી તે વાહનોના માલિકો સામે પણ ગુનાઓ નોંધવામાં આવે છે જેથી આવા ઈસમોને છટકવાનો મોકો ન રહે.
આ પણ વાંચો :રાજકોટનો મેરેથોનમેન: ASI ખેરનું નામ વિખ્યાત ‘પ્રોકેમ સ્લેમ’ વોલમાં થયુ અંકિત! આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
સૌરાષ્ટ્રમાં SMCની સક્રિયતાથી ગત તા.19-11થી 21-12 સુધી સવા માસથી ઓછા સમયગાળામાં 6.65 કરોડનો દારૂ પકડાયો તેના પરથી સ્થાનિક પોલીસ અંધારામાં રહેતી હશે ને બુટલેગરો લાખોના દારૂ ઉતારી લેતા હશે? કે પછી થર્ટી ફર્સ્ટને લઈને દારૂનો જથ્થો વધુ આવવા લાગ્યો હશે? જે હોય તે પણ SMC એક્ટિવ થતાં લાખોનો દારૂ પકડાવા લાગ્યો એ પણ હકિકત છે.
કરોડોના દારૂ સાથે એક કરોડનો ગાંજો અને લાખોની સિધરપની બોટલો પણ પકડી
વિદેશી દારૂ ઉતારનારાઓ બુટલેગરો પર સૌરાષ્ટ્રમાં ધોંસ બોલાવનાર SMC દ્વારા દારૂ ઉપરાંત અન્ય નશાકારક દ્રવ્યો પર પણ તવાઈ બોલાવાઈ છે. ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં ગત માસે તા.16ના રોજ 1798 નશાકારક કોડીન શીરપની બોટલ સાથે ત્રણને પકડી પાડી અન્ય ત્રણ સામે ગુનો નોંધાવ્યો હતો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામેથી નશાકારક ગાંજાની ખેતી પકડી પાડી એકાદ કરોડ જેવી કિંમતના ગાંજાના છોડ કબજે લઈ એકને ઝડપી પાડી ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લો વધુ સ્મુધ રહ્યો, એકમાં એક્શન, અન્યોમાં રાહત ?
સૌરાષ્ટ્રમાં સવા માસથી SMCની સક્રિયતામાં સુરેન્દ્રનગર જિલ્લો વધુ સ્મુધ રહ્યો, સૌરાષ્ટ્રમાં દારૂ ઘૂસાડવા માટેના પ્રવેશદ્વાર જેવા સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા.3 ઉપરાંત 14 અને 15 તારીખ ઉપરાછાપરી બે મળી ત્રણ દરોડામાં 1,93,35060નો 38,463 બોટલ દારૂ પકડાતા અંતે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજાને રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા સસ્પેન્ડ કરીને ટીમનું વિસર્જન કરી નખાયું. રાજકોટ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી, મોરબી જિલ્લામાં લાખોનો દારૂ-ગાંજો પકડાયો. જો આ જિલ્લાની પોલીસ કદાચ સક્રિય નહીં રહે તો કદાચ સુરેન્દ્રનગર જેવી ગાજ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં દરોડા પાડનાર ટીમ SMC
સ્ટેટ મોનિટરિંગ સેલ ડાયરેક્ટ ડીજીપીના અન્ડરમાં કાર્યરત સેલ છે. આ મહત્વપૂર્ણ સેલ (SMC)માં કડકાઈ અને શુધ્ધતાની છાપ ધરાવતા ડીઆઈજી નિર્લિપ્તરાય છે. સૌરાષ્ટ્રમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. નિર્લિપ્તરાયના વડપણ હેઠળ છેલ્લા સવા માસમાં સૌરાષ્ટ્રમાં બી.એચ. રાઠોડ, પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ, પીઆઈ આર.કે. કરમટા, જી.આર. રબારી, પીએસઆઈ વી.એન. જાડેજા, પીએસઆઈ એસ.વી. ગરચર, આર.જી. વસાવા, આર.બી. વનાર, કે.એચ. ઝણકાંટ તથા સ્ટાફે 6.65 કરોડથી વધુનો દારૂ પકડ્યો, એકાદ કરોડનો ગાંજો પકડ્યો.
