મોબાઈલ રિચાર્જ મોંઘું અને CNG, PNG સસ્તા થશે! રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કંપનીઓ ભારે વધારો કરે તેવી સંભાવના
દેશમાં કરોડો લોકો મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોબાઇલ વપરાશકર્તાઓને આવનારા વર્ષથી રિચાર્જ કરાવવા માટે વધુ રકમ ચુકવવી પડી શકે છે. ગ્લોબલ ઇનવેસ્ટમેંટ ફર્મ મોર્ગન સ્ટેનલી અનુસાર ટેલિકોમ કંપનીઓ એપ્રિલ અને જૂન 2026 વચ્ચે 4G અને 5G પ્લાનના ભાવમાં 16 થી 20 ટકાનો વધારો કરી શકે છે. બીજી બાજુ રાહતના પણ સમાચાર છે કે આગામી માસથી CNG અને PNG સસ્તા થઈ શકે છે.
એક મીડિયા અહેવાલમાં મોર્ગન સ્ટેનલીના 15 ડિસેમ્બરના રીપોર્ટને ટાંકીને કહેવાયુ છે કે, આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેઇડ બંનેમાં હોઇ શકે છે. તાજેતરના મહિનાઓમાં ઓછી કિંમતના પ્લાન દૂર કરવા અને પ્રીમિયમ પ્લાનમાં ફક્ત ઓટીટી સ્ટ્રીમિંગ સેવાઓનો ઉમેરો સૂચવે છે કે કંપનીઓ ધીમે ધીમે ગ્રાહકોને ઊંચા ટેરિફ માટે તૈયાર કરી રહી છે.આ અંદાજ સાચો સાબિત થાય તો છેલ્લા આઠ વર્ષમાં આ ચોથો મોટો ટેરિફ વધારો હશે. અગાઉ ટેલિકોમ સેક્ટરમાં 2019 માં આશરે 30 ટકા અને 2024 માં 15 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે ટેરિફ વધારાનો સમય એરટેલ અને જિયો બંને માટે સારો છે. 5G નેટવર્કનો મોટો હિસ્સો પહેલેથી તૈયાર થઇ ચુક્યો છે. જ્યારે મૂડીખર્ચ એક સમયે આવકના લગભગ 30 ટકા સુધી પહોંચતો હતો, ત્યારે હવે તે 20 ટકાથી નીચે આવવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીનો દાવો છે કે એરટેલનો ભારતમાં વ્યવસાય નાણાકીય વર્ષ 26-27 દરમિયાન આશરે 8 અરબ ડોલરનો ફ્રી કેશ ફ્લો જનરેટ કરી શકે છે.
આ પણ વાંચો :લોકસભામાં ‘જી રામ-જી બિલ’ પાસ! વિપક્ષ દ્વારા ગૃહમાં બિલની કોપી ફાડવામાં આવી: ભારે હંગામો, જાણો શું છે ‘જી રામ-જી બિલ’
CNG, PNG સસ્તા થઈ શકે છે
દરમિયાનમાં લોકોને બીજી બાજુ રાહત પણ મળી શકે છે. આગામી દિવસોમાં CNG અને PNG સસ્તા થઈ શકે છે. સરકારે વન નેશન, વન ગ્રીડ, વન ટેરિફ નિયમ લાગુ કરી દીધો છે. હવે તેના પરિપાક રૂપે નવા વર્ષથી એટલે કે જાન્યુઆરીથી સીનેજઈ અને PNG સસ્તા થઈ જશે તે નિશ્ચિત માનવામાં આવે છે. નેચરલ ગેસના પરિવહન ટેરિફમાં મોટો ફેરફાર કરી દીધો છે. રસોઈની રાણીઓ અને કાર ચાલકો બંને માટે રાહત આવી રહી છે.
