સોનિયા-રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ ભાજપ
કોંગ્રેસનો માફી માગવાનો ઇનકારઃ સંસદના બન્ને ગૃહોમાં ભાજપના મંત્રીઓ અને સાંસદોએ કહ્યું, કોંગ્રેસની
આવી માનસિકતા આઘાતજનકઃ ખડગેએ રાજ્યસભામાં વડાપ્રધાન અને દેશની માફી માગવી જોઇએ
દિલ્હીમાં રવિવારે રામલીલા મેદાનમાં વોટ ચોરીના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા વિશાળ મહારેલી યોજાઇ હતી પરંતુ તે પહેલા કોંગ્રેસના કાર્યકરો અને ખાસ કરીને મહિલા કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અયોગ્ય અને અપમાનજનક કોમેન્ટ કરવામાં આવી હતી તેવા આરોપ સાથે ભાજપે કોંગે્રસની આ રેલી અને તેની માનસિકતા સામે મોટો વાંધો લીધો છે અને આ મુદ્દા પર ભાજપ અને કોંગે્રસના ટોચના નેતાઓ વચ્ચે જોરદાર સંઘર્ષ પણ શરૂ થઇ ગયો છે. ભાજપે એવી માગણી કરી છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ માફી માગવી જોઇએ. પરંતુ કોંગે્રસ માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. કોંગે્રસની આ મહારેલીમાં કેટલીક મહિલા કાર્યકરોએ “મોદી તેરી કબર ખુદેગી, આજ નહીં તો કલ ખુદેગી” તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને એમ કરીને આ રેલી ભારે વિવાદાસ્પદ બની ગઇ હતી તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો અને સોમવારે સંસદમાં પણ આ મુદ્દા પર ભારે ધમાલ અને ગોકીરો થઇ ગયા હતા. લોકસભા અને રાજ્યસભામાં ભાજપના સભ્યોએ તેમજ મંત્રીઓએ આ રેલીથી કોંગે્રસની માનસિકતા છતી થઇ હોવાની ટીકા કરી હતી.
ભાજપના સિનિયર નેતા જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે આ પ્રકારના સૂત્રોથી નામદારોની ગભરાહટ દેખાઇ આવે છે. વડાપ્રધાન મોદીના મૃત્યુની કામના કરવી તે અત્યંત નિંદનીય માનસિકતા છે. આવી નારાબાજીને લઇને સોનિયા ગાંધીએ દેશથી માફી માગવી જોઇએ. એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ રાજકારણનું સ્તર એટલું બધું નીચે ઉતારી દીધું છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
એ જ રીતે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં એમ કહ્યું હતું કે આ કેવી માનસિકતા છે જે વિરોધીઓને જાનથી મારવાની સાર્વજનિક ઘોષણા કરે છે.જો કોઇ વિપક્ષી નેતા વડાપ્રધાનને જાનથી મારવાની વાત કરતા હોય તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એમણે કહ્યું કે માત્ર નિંદા કે આલોચના કરવાથી વાત પતી જતી નથી. કોંગ્રેસના પ્રમુખ ખડગેએ સંસદમાં આવીને માફી માગવી જોઇએ અને દેશની માફી માગવી જોઇએ. મને એમ લાગે છે કે જો દેશ માટે કોંગ્રેસને કંઇ સન્માન હોય તો માફી માગવામાં એમણે વિલંબ કરવો જોઇએ નહીં.
પ્રિયંકાએ કહ્યું, રેલીના મંચ પર આવો સૂત્રોચ્ચાર થયો નથી
સંસદના પરિસરમાં મીડિયા સમક્ષ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સંસદમાં થયેલી ધમાલ અને આરોપ અંગે પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે આ પ્રકારની નારાબાજી કોણે કરી છે તે કંઇ ખબર નથી અને આવી કોઇ માહિતી નથી. રેલીના મંચ પરથી આવો કોઇ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો નથી એટલી મને ખબર છે.આવો સૂત્રોચ્ચાર કોણે કર્યો છે અને ક્યારે થયો છે તે વિશે અમને જાણ નથી અને પાર્ટીને તેની સાથે કોઇ લેવા-દેવા નથી.
આવી નારાબાજી અમારી પાર્ટીની રીત નથીઃ વેણુગોપાલ
વડાપ્રધાન વિશેના અયોગ્ય સૂત્રોચ્ચાર અંગે અને કોંગ્રેસ પર મૂકાયેલા આરોપ અંગે કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે રેલીમાં લોકોનો ગુસ્સો દેખાતો હતો અને વોટ ચોરી એક જનઆંદોલન બની ગયું છે. પરંતુ વડાપ્રધાન વિશે આવી નારાબાજી કરવી તે અમારી પાર્ટીની રીત-રસમ કે પરંપરા નથી. આમ તો અમિત શાહે પણ સંસદમાં જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે અયોગ્ય હતી.
