PSI-LRDની 13591 જગ્યા માટે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પરીક્ષા
શારીરિક કસોટીની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં થશે જાહેર 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
ખાખી વર્દી ધારણ કરવાનું સ્વપ્ન સેવી રહેલા લાખો યુવક-યુવતીઓ માટે મહત્ત્વના સમાચાર સાંપડ્યા છે. થોડા સમય પહેલાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળ (એલઆરડી)ની 13591 જગ્યા માટે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે આ પરીક્ષા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવી શકે છે તેવી જાહેરાત કરાતાં ઉમેદવારો તૈયારીમાં મશગૂલ બની જશે.
ભરતી બોર્ડ દ્વારા એક્સ પર પોસ્ટ શેયર કરીને જણાવાયું હતું કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડણની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જો કે તારીખ હજુ જાહેર કરવામાં આવી ન હોય ટૂંક સમયમાં તે પણ જાહેર થઈ શકે છે. પોલીસ બનવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઉપર અપડેટ ચેક કરતું રહેવા પણ જણાવાયું હતું.
બીજી બાજુ ઉપરોક્ત 13591 જગ્યાઓ માટે 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. પોલીસ વિભાગમાં 659 બિન હથિયારી પીએસઆઈ, 129 હથિયારી પીએસઆઈ, 70 જેલર ગ્રુપ-2 ઉપરાંત 6942 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 2458 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3002 એસઆરપીએફ કોન્સ્ટેબલ, 300 જેલસિપાઈ (પુરુષ) અને 31 જેલ સિપાઈ (મહિલા મેટ્રન)ની ભરતી કરવામાં આવશે. પીએસઆઈ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા ગે્રજ્યુએશનની ડિગ્રીની છે. જ્યારે એલઆરડી માટે ઉમેદવારે ધો.12 અથવા સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેવો નિયમ જાહેર કરાયો છે.
