હવે માલ બરાબર ! સસ્તા અનાજના વેપારીને ગોડાઉનથી જથ્થો ચેક કરીને જ ડિલિવરી, અન્ન-નાગરિક પુરવઠા વિભાગના નવા ફતવાથી વેપારીઓમાં રોષ
રાજ્યભરમાં સસ્તા અનાજના વિક્રેતાઓને નબળી ગુણવતા અને ઓછા વજન સાથે ઘઉં, ચોખા સહિતની ફાળવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ નિવારવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે નવો આદેશ જારી કરી હવેથી તમામ પરવાનેદારોની હાજરીમાં વજન કરી ગુણવતા બતાવ્યા બાદ જ માલ મોકલવા સૂચના આપી છે. સાથે જ જે વેપારી પહેલા ચલણ ભરે તે વેપારીને પહેલા જથ્થો ફાળવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જો કે, પુરવઠા વિભાગના આ પરિપત્રનો સસ્તા અનાજના વેપારીઓ ફતવો ગણાવી વિરોધ કરી રહ્યા છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તા.2જી ડિસેમ્બરે તમામ જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ગોડાઉન મેનેજરને પરિપત્ર કરી ડોર સ્ટેપ ડિલિવરીમાં ફેરફાર કર્યા છે. નવા પરિપત્ર મુજબ જે પરવાનેદાર પહેલા ચલણ જનરેટ કરી પૈસા ભરે છે તેવા પરવાનેદારને પહેલા જથ્થો આપવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં સસ્તા અનાજના વેપારી અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં પુરવઠા ગોડાઉન ખાતેથી વજન તેમજ જથ્થાની ગુણવતાની ચકાસણી બાદ જ માલ રવાના કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :ધર્માદા સંસ્થાની જમીનની વહેંચણી ન થઇ શકે : આસિ.કલેકટર મહક જૈનનો મહત્વનો ચુકાદો, જમીન ભેટમાં આપ્યાની નોંધ રદ્દ
આ મામલે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે,વ્યાજબી ભાવના દુકાનદારોને સરકારી અનાજના ગોડાઉન ખાતે હાજર રહીને જથ્થાનું વજન તથા જથ્થાની ગુણવત્તાની ખરાઈ કરવાનું જણાવવામાં આવ્યુ છે તે વિસંગતતા ભર્યુ છે કારણ કે આખી પ્રક્રિયામાં સરકારી અનાજના ગોડાઉન ખાતે વેપારીઓનો કોઈ રોલ હોતો નથી.વેપારી દ્વારા જો ગોડાઉન ખાતેથી જથ્થાની ચકાસણી કરવામાં આવે અને ત્યારબાદ આ જથ્થામાં ગોડાઉનથી દુકાન સુધીના માર્ગમાં કંઈ પણ ફેરફાર થાય તો તેની જવાબદારી વેપારીના શિરે રહેતી ન હોય ગોડાઉન ખાતે હાજર રહેવાનુ ફરમાન કરવાનુ કોઈ ઓચિંત્ય બનવા પામતુ ન હોવાનું જણાવી આ પરિપત્રથી વેપારીઓની હેરાનગતિ વધશે તેમ જણાવી નિર્ણયને શંકાસ્પદ ગણાવ્યો હતો.
