રાજકોટમાં પંજાબ ઓટોની મહિલા કેશિયરે કંપનીના હિસાબના રૂ.28 લાખની કરી ઉચાપત : ઓડિટમાં ભાંડો ફૂટતા નોંધાવી ફરિયાદ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા હોન્ડા ટૂ-વ્હિલર્સના પંજાબ ઓટોમોબાઈલ્સ નામના શો-રૂમની વર્કશોપ કેશિયર કંચન ઉકાભાઈ સોલંકી નામની મહિલાએ કંપનીમાં રિપેરમાં આવતા ટૂ-વ્હિલર્સના બીલની પાંચ માસની 28,03,919 રૂપિયાની રકમ કંપનીમાં જમા નહીં કરાવી નાણાકીય ઉચાપત કર્યાના આરોપસર કંચન અને તપાસમાં ખૂલે તેની વિરૂધ્ધમાં તાલુકા પોલીસ મથકે સર્વિસ મેનેજર ભાર્ગવ કાંતિલાલ પરમાર (રહે.ભોમેશ્વર પ્લોટ-8, જામનગર રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ ગુરૂપ્રસાદ ચોક નજીકના ત્રિવેણીનગર મેઈન રોડ પર અને હાલ જય રામાપીર યોગી બંગ્લોઝ આશારામ બાપુ આશ્રમ રોડ, કણકોટ રોડ પર ઈગ્નનુ પાછળ રહેતી કંચન સોલંકી શો-રૂમમાં 2009થી નોકરી કરતી હતી. 2011માં તેને વર્કશોપ કેશિયર તરીકે જવાબદારી સોંપાઈ હતી. શો-રૂમ વર્કશોપ મિકેનીક વિભાગમાં રિપેરમાં, સર્વિસમાં આવતા ટૂ-વ્હિલર્સના જોબકાર્ડ મુજબના બીલના નાણાં વાહનધારક પાસેથી ઓનલાઈન કે ઓફલાઈન વસુલવાની અને બીલના નાણાં વસુલાયા બાદ વાહનની ચાવી સોંપવાની કામગીરી હતી.
આ પણ વાંચો :પડધરી પાસે ફેકટરીમાં એક મિનિટમાં જ 27.55 લાખની ચોરી! ફેકટરીની ઓફિસમાંથી બુકાનીધારી બેલડી ત્રાટકી, જુઓ સીસીટીવી
કાલાવડ રોડ ઉપરાંત આમ્રપાલી તથા બ્રહ્મમાજ ચોકની બ્રાન્ચનો રોજનો હિસાબ પણ કંચન પાસે જમા થતો હતો. નાણાં, જોમકાર્ડ તથા બીલોની એન્ટ્રી હાઈરાઈ કંપનીના સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની અને તમામ બીલની એન્ટ્રી પંજાબ ઓટોમોબાઈલ્સના એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં પણ કંચને એન્ટ્રી કરવાની હોય છે. બેન્કનું કામકાજ સંભાળતા કર્મચારીને આ રકમ બીજા દિવસે બેન્કમાં ભરપાઈ કરાવવા આપવાની સિસ્ટમ છે.
આ પણ વાંચો :ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર બોલ્યો, ‘મેં પ્રદીપસિંહનો બદલો લીધો : જામનગરમાં ‘આપ’ના MLA જુતું ફેંકાતાં ભારે હંગામો
ગત વર્ષ 2024માં શો-રૂમનું રિનોવેશનનું કામકાજ ચાલું હતું જેથી ફાઈનાન્સિયલ પરનો ઓડિટ રિપોર્ટ થયો ન હતો. અમદાવાદ ખાતેની કંપનીની હેડ ઓફિસના એકાઉન્ટ દ્વારા ગત ઓગસ્ટ માસમાં રાજકોટની બ્રાન્ચના હિસાબો ચેક કરાયા હતા. હિસાબોમાં રાજકોટની પંજાબ હોન્ડા શો-રૂમના 28.03 લાખ રૂપિયાના બીલ હોન્ડા કંપનીના હાઈરાઈ સોફ્ટવેરમાં એન્ટ્રી થયેલી હતી જે બીલોની એન્ટ્રી રાજકોટના શો-રૂમના ઝીપેય એકાઉન્ટ-સોફ્ટવેરમાં એન્ટ્રી હતી નહીં.
તપાસ દરમિયાન કંચન દ્વારા નવેમ્બર-2024થી જુલાઈ-2025 સુધીના હિસાબના 28,03,919 રૂપિયા જમા કરાવાયા ન હોવાનું ખૂલ્યું હતું જે સંદર્ભે આરોપી મહિલા કેશિયર કંચન અને તેની સાથે લાખોની ઉચાપતમાં કોઈ મદદગાર હોય તો તેની વિરૂધ્ધ ગુનો નોંધાવાયો છે.
