SIRમાં 93 ટકા સાથે જસદણ મતક્ષેત્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમે : જાણો કઈ વિધાનસભામાં કેટલી કામગીરી
સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન એટલે કે, SIRની કામગીરીમાં રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભામાં નોંધાયેલા 23,91,027 મતદારો પૈકી 19,35,491 મતદારો પાસેથી બુથ લેવલ ઓફિસરો દ્વારા ગણતરી ફોર્મ પરત મેળવી 80.95 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં જસદણ મતક્ષેત્રમાં BLO અને સહાયકો દ્વારા 93.04 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવતા જસદણ બેઠક જિલ્લામાં પ્રથમ ક્રમે છે.
ચૂંટણીપંચના આદેશને પગલે રાજકોટ જિલ્લામાં તા.4 નવેમ્બરથી બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘેર-ઘેર મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા બાદ 23 દિવસના સમયગાળામાં જિલ્લામાં નોંધાયેલ 23,91,027 મતદારો પૈકી 19,35,491 મતદારો પાસેથી ભરાયેલ ગણતરી પત્રક પરત મેળવી ગણતરીપત્રકનું ડિજિટાઇઝેશન પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી જસદણ વિધાનસભા ક્ષેત્રમાં 93.05 ટકા અને સૌથી નબળી કામગીરી 68-રાજકોટ પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં 73.53 ટકા કરવામાં આવી છે. નોંધીનીય છે કે, સમગ્ર જિલ્લામાં તા.29 અને 30 નવેમ્બરના રોજ શહેરમાં તમામ મતદાન મથકો તેમજ જિલ્લાના અન્ય વિધાનસભા મતક્ષેત્રમાં મામલતદાર કચેરી ખાતે ફોર્મ પરત લેવા ખાસ કેમ્પ યોજવામાં આવ્યા હોય તા.4 ડિસેમ્બર સુધીમાં SIR ની 100 ટકા કામગીરી પૂર્ણ થવાની શક્યતા જોવાઈ રહી છે.
