કેન્ડી-કેકનાં ટેસ્ટમાં ‘ચીકી’ખાઈ શકશો: રાજકોટમાં આ વર્ષે નવા ફ્યુઝન ફ્લેવર્સની ‘ચીકી’,દરરોજ 200 કિલોથી વધુનું વેચાણ
“ચીકી”માં આઈસ્ક્રીમ અને ચોકલેટ….!!! હા,રાજકોટમાં કેન્ડી અને આઈસ્ક્રીમની વિવિધ ફ્લેવરની “ચીકી”એ ચીકીલવર્સમાં ધૂમ મચાવી છે.ઠંડી પડવાની સાથે જ હેલ્ધી અને યમ્મી ચીકીનું વેચાણ શરૂ થઈ ગયું છે.રાજકોટની પરંપરાગત સ્ટાઇલમાં બનતી ગોળ અને સિંગ,તલ તેમજ મિક્સ ચીકી વિદેશમાં પણ પ્રચલિત છે.હવે પિત્ઝા અને પાસ્તા લવર્સ માટે ચીકી બનાવતાં વેપારીઓએ તેમાં વેરિએશન લાવી ચોકલેટ તેમજ આઈસ્ક્રીમ ફ્લેવરમાં ચીકી બનાવતાં સ્વાદ પ્રેમીઓને દાઢે વળગી ગઈ છે.

4 પેઢીથી ચીકીનાં વેપાર સાથે સંકળાયેલા અને રામનાથપરામાં આવેલા ઇન્ડિયા કિંગ ચીકીનાં ઐયાઝભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે,ચીકીની વાત આવે એટલે ગોળ અને શિંગદાણામાંથી જ ચીકી બને છે,પણ સ્વાદસરસિકો માટે અમે કેન્ડી અને આઈસ્ક્રીમ તેમજ કેકનાં ટેસ્ટ સાથેની ચીકી બનાવી છે.જેમાં ચોકલેટ,ચોકો ચિપ્સ,વેનીલા, ઓરેન્જ સહિતની ફ્લેવર મળે છે.આ ફ્યુઝન ચીકી ખાતા આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટ ખાતા હોય એવી ફીલિંગ આવે છે.

આ ઉપરાંત માંડવી,તલ,દાળિયા, ખજૂરની ચીકી તેમજ માવા-મલાઈ સહિતની ચીકી અને ખજૂર રોલની માંગ સારી રહે છે.રાજકોટમાં 100થી વધુ અલગ અલગ પ્રકારની ચીકી મળે છે.તેમના જણાવ્યા અનુસાર દરરોજની 200 કિલોથી વધુ ચીકીનો ઉપાડ રહે છે.આ વખતે ચીકીમાં ભાવ વધારો થયો નથી.



