અમેરિકામાં હજારો સરકારી કર્મીઓ શા માટે આવ્યા ટેન્શનમાં ? જુઓ
અમેરિકામાં ટ્રમ્પ સરકાર સતત આકરા નિર્ણયો સાથે વિશ્વને હચમચાવી રહી છે. તેના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સીનું નેતૃત્વ કરી રહેલા ઈલોન મસ્ક પણ સતત અટપટા આદેશો આપી રહ્યા છે. તેમણે અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટના સ્ટાફની નોકરી પર લટકતી તલવાર સમાન નિયમ જાહેર કર્યો છે. જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખના નિર્દેશોને આધિન ફેડરલના તમામ કર્મચારીઓને ઝડપથી એક ઈમેઈલ મોકલવામાં આવશે. જેમાં તેમને ગત સપ્તાહે કરેલા કામો વિશે પૂછવામાં આવશે. જો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા તો રાજીનામું આપવું પડશે.
મસ્કની આ જાહેરાત ફેડરલ કર્મચારીઓને સાપ્તાહિક ધોરણે પોતાના કામનો રિપોર્ટ બનાવવા મજબૂર કરી શકે છે. તેમજ આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો નોકરી જવાનું જોખમ રહેશે. જો કે, આ નિયમના અનુપાલનની કેમ જરૂર છે? તેમજ તેમને રિપોર્ટ તૈયાર કરવામાં કેટલો સમય આપવામાં આવશે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. અગાઉ પણ તેમણે ફેડરલનો સ્ટાફ ઘટાડવાની કવાયત હાથ ધરી હતી.
20 જાન્યુઆરીએ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળતાની સાથે જ મોટા ફેરફારો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે ફેડરલ સરકારના 20 લાખથી વધુ કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં વળતર પેટે આઠ મહિનાનું વેતન આપી સ્વેચ્છાએ રાજીનામું આપવાનો વિકલ્પ રજૂ કર્યો હતો. આ આદેશથી સરકારી ક્ષેત્રના ચાર યુનિયન અને 20 ડેમોક્રેટ વકીલે કોર્ટમાં સરકારને પડકારતાં છ ફેબ્રુઆરીથી લાગુ થતાં આ નિર્ણય પર ફેડરલ જજે સ્ટે મૂક્યો છે.