મનમોહન સિંહના સ્મારક માટે કઈ બે જગ્યા પર થઈ રહ્યો છે વિચાર ? વાંચો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અવસાન બાદ હવે એમના સ્મારક માટે જમીન નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. મનમોહન સિંહનું સ્મારક ક્યાં બનશે તે અંગે સસ્પેન્સ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવશે અને સ્થળની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
દરમિયાન, એવા સમાચાર છે કે મનમોહન સિંહના સ્મારક માટે જે જગ્યાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં કિસાન ઘાટ પાસેનો વિસ્તાર અને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સ્મૃતિ સ્થલમાં જ થાય છે. બંને સ્થાનો યમુનાની નજીક છે અને આગામી થોડા દિવસોમાં આ અંગે નિર્ણય થવાની અપેક્ષા છે.
ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે સરકારે મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપી છે અને તેના પરિવારને પણ જાણ કરી છે, જોકે, સ્થળ અથવા જમીનનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે સ્મારકની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે સામાન્ય રીતે સ્મારક માટેની જગ્યા સોસાયટીને વિકાસ અને જાળવણી માટે ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે.
દરમિયાનમાં મીડિયા સાથેની મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થલ પર હજુ પણ બે લોકો માટે જગ્યા ખાલી પડી છે. પણ કોંગ્રેસ દ્વારા વધુ જગ્યાની માંગણી કરાઇ છે અને તેનો સ્વીકાર કરી લેવાયો છે. આમ સંકેત મળી ગયો છે કે મનમોહન સિંહનું સ્મારક ક્યાં બનશે.