કયા રાજ્યમાં વરસાદ અને ભુપ્રપાતથી તબાહી મચી ? કેટલાના મોત થયા ? જુઓ
મૂશળધાર વરસાદ અને પૂર જેવી વિકટ સ્થિતિ દેશના અનેક રાજ્યોમાં સર્જાઇ છે અને આ વખતના વરસાદે હજારો લોકોને બેઘર પણ કર્યા છે. ત્યારે હવે આ યાદીમાં મેઘાલયનું નામ પણ સામેલ થઈ ગયું છે. મેઘાલયમાં પૂર અને ભુપ્રપાતના કારણે ચારેકોર હાહાકાર મચી ગયો હતો. ભારે વરસાદને કારણે અહીં પૂર બાદ ભૂસ્ખલન અનેક ઠેકાણે થયા હતા. મેઘાલયમાં આફતને કારણે 10 લોકોના મોત થયા હતા . અનેક મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા હતા.
એ જ રીતે નેપાળમાં ભારે વરસાદ બાદ યુપીમાં 20 ગામડા પાણીથી ઘેરાયા હતા અને પૂર આવ્યા હતા. ગોરખપુરમાં 29 ગામ પાણીમાં ડૂબેલા છે અને 50 હજાર લોકો સંકટમાં જીવી રહ્યા છે. બીજી બાજુ પંજાબમાં પણ આફત આવી હતી અને આંધીમાં લુધિયાણા ખાતે દુર્ગા પંડાલ પડી જતાં 2 લોકોના મોત થયા હતા. 15 ઘાયલ થયા હતા. અનેક સ્થળે વીજ થાંભલા- ઝાડ ઊખડી ગયા હતા.
મેઘાલયની દક્ષિણી ગારો પહાડીઓમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ સાથે જ ગેસુઆપરા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતું. બીજી બાજુ હાથિયાસિયા સોંગમામાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના 7 લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલન વખતે એક ઘરમાં 3 સગીર સહિત 7 લોકો હાજર હતા. ભૂસ્ખલન બાદ આ તમામ લોકો ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા હતા.
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાનું કહેવું છે કે ગારો હિલ્સની વચ્ચે આવેલા 5 જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ જિલ્લા પૂરની લપેટમાં છે. આ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જ્યારે ડાલુમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે હાથિયાસિયા સોંગમામાં પણ 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બચાવ ઓપરેશન
અહેવાલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રીએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને કાટમાળમાંથી બચાવવાનું કામ ચાલી રહ્યું છે.