ભારે ગરમી ક્યાં પરેશાન કરી રહી છે ? વાંચો
ગરમી હવે રીતસર લોકોને ભારે પડી રહી છે અને દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યો જાણે ભઠ્ઠી બની ગયા છે. જૂન માસ પણ લોકો માટે આગ ઓકી રહ્યો છે. દિલ્હી અને નોઇડામાં કૂલ 15 લોકોના મોત થઈ ગયા હતા. આ બધાને લૂ લાગી ગઈ હતી તેમ તબીબોએ જણાવ્યું હતું.
દિલ્હીમ બુધવારની રાત 12 વર્ષમાં સૌથી ગરમ રહી હતી. પારો 35.2 ડિગ્રી રહ્યો હતો અને અનેક લોકોને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ ઉપરાંત યુપી, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ, ઓડિશા, બિહાર સહિતના રાજ્યોમાં લૂ ની ગંભીર સ્થિતિ બનેલી રહી છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ યુપી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પારો 44 થી 46 ડિગ્રી સુધી રહ્યો હતો. હીટ સ્ટ્રોકના દર્દી બધા જ રાજ્યોમાં વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. ખાસ કરીને જૈફ વયના લોકોને ભારે તકલીફ પડી રહી છે. બીપીથી પીડાતા લોકોને વધુ તકલીફ પડી રહી છે.
દિલ્હીમાં ભારે ગરમી અને લૂ લાગી જતાં 5 લોકોના મંગળવારે મોત થયા હતા એ જ રીતે નોઇડામાં પણ ગરમી લાગી જતાં 10 લોકોના મોત થઈ ગયા હતા. બે દિવસ પહેલા પણ યુપીમાં સૌથી વધુ મોત થયા હતા. બીજી બાજુ અનેક રાજ્યોમાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
દરેક રાજ્યમાં વીજળીની ડિમાન્ડ પણ વધી ગઈ છે અને કેટલાક રાજ્યોમાં વિજકાપ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આવી હાલતમાં લોકો વધુ બીમાર પડી રહ્યા છે. હજુ પણ આ સ્થિતિ ચાલુ જ રહી શકે છે તેવી આગાહી થઈ છે.