ગેસના ભાવમાં ક્યારે થશે ઘટાડો ? જુઓ
થોડાક જ દિવસોમાં લોકોને રાહત મળી શકે છે અને ખાસ કરીને ફેકટરી અને નાના-મોટા ધંધાર્થીઓને સારી રાહત મળી શકે છે. ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસની કિંમતમાં સારો એવો કાપ મુકી શકે છે અને આ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. ૧લી માર્ચના રોજ ગેસના ભાવમાં કાપ મુકાઈ જશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે તેવા અહેવાલો પ્રસારિત થયા હતા.
૨૦૨૪ના વર્ષની શરૂઆતમાં અમેરિકી નેચરલ ગેસની કિંમતોમાં ૨૪ ટકાથી ,પણ વધુનો ઘટાડો થયો હતો. પાછલા સપ્તાહે ભાવ વધુ નીચે આવી ગયા હતા જે ૨૦૨૦ના સપ્ટેમ્બર બાદના સૌથી નીચલા સ્તરે માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ૧લી માર્ચના રોજ ગુજરાત ગેસ કિંમતોમાં કાપનું એલાન કરી શકે છે.
પહેલાં ગેસની કિંમતોમાં દર છ મહિને ફેરફાર થતા હતા અને નવા દર નક્કી થતા હતા. કારણ કે, તેની સમીક્ષા દર ૬ મહિને કરવામાં આવતી હતી. ત્યારબાદ કંપનીઓ તેના ભાવ નક્કી કરતી હતી પરંતુ હવે દર મહિને કિંમતો નક્કી થવા લાગી છે. વાસ્તવમાં સરકારે નવી ફોર્મ્યુલા લાગી કરી છે જે મુજબ ઘરેલું નેચરલ ગેસની કિંમત હવે ઈન્ડીયન ક્રુડ બાસ્કેટની કિંમતના આધાર પર નક્કી કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે નવી ફોર્મ્યુલા નક્કી કરવા માટે કિરીટ પારેખની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી અને ત્યારબાદ અભ્યાસ કરીને કમિટીએ કેટલીક ભલામણો સરકારને કરી હતી અને તેના આધાર પર જ સરકારે નવી ફોર્મ્યુલા નક્કી કરી હતી.