ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અંગેની ચર્ચા ક્યારથી શરૂ થઈ રહી છે ? વાંચો
ભારત અને બ્રિટન આઠ મહિનાથી વધુ સમયના વિરામ પછી 24 ફેબ્રુઆરી એટલે આજથી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર એફટીએ પર વાટાઘાટો ફરી શરૂ કરી રહ્યા છે. દેશનું અર્થતંત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે ત્યારે બ્રિટનને પણ ભારત સાથે આગળ વધવામાં ઘણો રસ દેખાય છે .
યુકેના વેપાર અને વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે ભારતમાં આવી પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ કરાર અંગેની અધૂરી વાતચીત આગળ વધારશે.
ભારત-યુકે એફટીએ વાટાઘાટો ૧૩ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ શરૂ થઈ હતી. ડિસેમ્બર, 2023 સુધીમાં કુલ 13 રાઉન્ડની વાટાઘાટો યોજાઈ છે. ૧૪મો રાઉન્ડ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ શરૂ થયો હતો. મે 2024 માં બ્રિટનમાં ચૂંટણીઓને કારણે આ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે વાટાઘાટો પહેલાથી જ પ્રાપ્ત થયેલી પ્રગતિ પર આધારિત હશે. વાતચીત દ્વારા અમારો પ્રયાસ બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવા અને વેપાર કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાનો છે.
ભારત-યુકે એફટીએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને વેગ આપશે. આવા કરારોમાં, બે દેશો તેમની વચ્ચે વેપાર તથા મોટાભાગના ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી દૂર કરે છે અથવા નોંધપાત્ર રીતે ઘટાડે છે. તેઓ સેવાઓમાં વેપાર અને દ્વિપક્ષીય રોકાણને પ્રોત્સાહન આપવા માટે ધોરણોને પણ હળવા બનાવે છે.