મુંબઈ બોટ દુર્ઘટના અંગે શું બહાર આવ્યું ? કેટલા બાળકો હતા ? વાંચો
મુંબઈમાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નેવીની સ્પીડબોટ પેસેન્જર બોટ સાથે ટકરાઈ ગઈ હતી. આ ટક્કર બાદ પેસેન્જર બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થઈ ગયા હતા. જો કે બોટમાં 100થી વધુ લોકો સવાર હતા, આ દુર્ઘટના વધુ મોટી બની હોત પરંતુ ત્રણ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલોએ વીરતા બતાવી મોટી ત્રાસદી અટકાવી હતી.
જો કે બોટના કેટલાક મુસાફરો અને બચાવકારોએ એમ કહ્યું હતું કે બોટમાં લાઈફ જેકેટ જ નહતા. આ દરમિયાન વડાપ્રધાને આ ઘટના અંગે ભારે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને રૂપિયા ૨ લાખની સહાય જાહેર કરી હતી અને બચાકારોની પ્રશંસા કરી હતી.
કોન્સ્ટેબલ અમોલ મારુતિ સાવંત, વિકાસ ઘોષ અને અરુણ સિંહ અકસ્માત સ્થળથી માત્ર 4-5 કિલોમીટર દૂર પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તેઓ જવાહર દીપ ટાપુ તરફ જઈ રહ્યા હતા. કંટ્રોલ રૂમમાંથી કોલ મળતાં કોન્સ્ટેબલ સાવંતે તરત જ તેની પેટ્રોલિંગ બોટને પાછી વાળી અને પલટી ગયેલી બોટના સ્થાન પર પહોંચી ગયા હતા
કોન્સ્ટેબલ સાવંતે જણાવ્યું કે, ‘જ્યારે અમે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે આખી બોટ પલટી ગઈ હતી. બોટમાં 3 થી 11 વર્ષની વયના 9-10 બાળકો હતા. અમે જે પ્રથમ વ્યક્તિને બચાવી હતી તે ત્રણ વર્ષનો બાળક હતો. અમારી પ્રાથમિકતા તમામ બાળકોને બચાવવાની હતી, અને અમે તેમને બચાવવામાં સફળ રહ્યા, જોકે કમનસીબે એક બાળકનું આ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે, મને બાળકની સાચી ઉંમરની જાણકારી નથી.’