કેજરીવાલને શું મળી રાહત ? જુઓ
હાઇકોર્ટે હટાવવા અંગે શું કહ્યું ?
દારૂનીતિકાંડમાં કાનૂની લડાઈ બરાબર જામી છે અને તેની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અદાલતે ફગાવી દીધી હતી. આમ એક બાબતમાં કેજરીવાલને કોર્ટે રાહત આપી હતી. અદાલતે સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. સુરજીતસિંહ યાદવ નામની વ્યક્તિએ આ અરજી દાખલ કરી હતી. અરજીમાં એવી દલીલ થઈ હતી કે કેજરીને પદ પર ચાલુ રાખવા દેવાથી ન્યાય પ્રક્રિયા અવરોધીત થશે.
અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે. અમે તેની ન્યાયિક સમીક્ષા ન કરી શકીએ. દિલ્હી હાઈકોર્ટે આ સાથે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી હતી.
આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં ઈડી દ્વારા ધરપકડ અને ઈડીના રિમાંડને પડકારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ તેમને 6 દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
અગાઉ કેજરીવાલે જેલમાંથી જ બે મહત્વના હુકમો તો જાહેર કરી જ દીધા હતા. પરંતુ લેફટેનન્ટ ગવર્નર વી.કે. સકસેનાએ તેનો અમલ અટકાવી દીધો હતો. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જેલમાંથી સરકાર ચલાવી જ ન શકાય. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારની એકસાઈઝ પોલીસી અને તે ઉપરાંત મનીલોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરે તા. 21મી માર્ચે ધરપકડ કરી હતી. તે પછી અહીંની કોર્ટે તેઓની ઉક્ત એજન્સીની કસ્ટડીમાં પુછપરછ અંગે 28 માર્ચ સુધી મોકલી દીધા હતા.