વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટનમાં મોદીએ શું કહ્યું ? જુઓ
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિરમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વિશ્વની નજર તેના તરફ મંડાઇ ગઈ હતી. ગુજરાતને વિશ્વના નકશા પર મોભાદાર સ્થાન અપાવનાર સમિટના પ્રંસગે રાજ્યના મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો,રાષ્ટ્રપ્રમુખો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દેશના પ્રમુખો, રાજદ્વારીઓ, કંપનીના સીઈઓ, ટોચના ઉધ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં હજારો કરોડના રોકાણ કરવાની જાહેરાતો બિઝનેસમેનોએ કરી હતી.
સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી , રતન ટાટા, મિત્તલ, ચંદ્રશેખરન સહિતના અનેક બિઝનેસમેનોએ હજારો કરોડના ખર્ચે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પ્રરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે. આ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જે અમૃત કાળમાં થઈ છે. આજે વિશ્વ સ્થિરતાના એક મજબૂત પિલર તરીકે ભારતને જોઈ રહ્યું છે. ભારત પ્રત્યે જેણે અતૂટ વિશ્વાસ છે. ભારતને ટેલેન્ટેડ યૂથ પાવરહાઉસ તરીકે જોઈ રહ્યું છે. એમના વ્યક્તવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયું હતું.
એમણે કહ્યું હતું કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષય છે. વડાપ્રધાને એવું વચન પણ આપ્યું હતું કે આગામી થોડાક જ વર્ષોમાં વિશ્વની ટોપ-3 ઇકોનોમીમાં ભારત સ્થાન લઈ લેશે. આ મારી ગેરંટી છે.
મોદીએ કહ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાનો હેતું છે અને આ નવા સપના અને સંકલ્પનો સમય છે. ભારત અને યુએઈના સંબંધો વિશે બોલતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. આ સિવાય તેમણે કહ્યું કે આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બની જશે.
છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ભારતમાં 1 લાખ 15 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે અને દેશમાં 149 એરપોર્ટ છે. તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે.