આ અલ્લુ અર્જુન તે કઈ પ્રકારનો માણસ છે? તેલંગાણાના મુખ્યમંત્રીએ કર્યો સવાલ
ચકચારી ઘટના અંગે રેવંથ રેડી અને અભિનેતા સામસામે
તેલંગાણા ના પાટનગર હૈદરાબાદમાં પુષ્પા 2 ફિલ્મ ના રિલીઝ પ્રસંગે બનેલી દુર્ઘટના અંગે વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ એ બનાવ માટે અભિનેતા અલ્લુ અર્જુન જ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
તેમણે પૂછ્યું, “આ અલ્લુ અર્જુન તે કઈ પ્રકારનો માણસ છે? એક મહિલાનું મૃત્યુ થયા બાદ પણ તે સિનેમા હોલ છોડવા તૈયાર નહોતો”. વિધાનસભામાં એઆઈએમઆઈએમ ના ધારાસભ્ય અકબરુદીન ઓવેસીએ અલ્લુ અર્જુનને ધરપકડ અંગેનો મુદ્દો ઉઠાવ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે થિયેટર ના આયોજકોએ બીજી ડિસેમ્બરે પત્ર લખી અને સુરક્ષા વ્યવસ્થાની માગણી કરી હતી. જો અભિનેતા પોતે આવે તો મોટી ભીડ એકત્ર થવાની સંભાવના હતી. થિયેટરમાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ રસ્તો હોવાથી ગેર વ્યવસ્થા થવાની સંભાવના હતી.
એ સંજોગોમાં ભીડને કાબુમાં રાખવાનું મુશ્કેલ જણાતા ચોથી ડિસેમ્બરે પોલીસે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો. રેવંથ રેડ્ડીએ કહ્યું કે અલ્લુ અર્જુને કારના રૂફટોપ ઉપરથી ઉભા રહી લોકોનું અભિવાદન કરતા ભીડ બેકાબૂ બની ગઈ હતી. અલ્લુ અર્જુનના ખાનગી સિક્યુરિટી ગાર્ડઝએ લોકોને ધક્કા મારતા ભાગદોડ મચી ગઈ હતી. એ ઘટના બાદ પોલીસે કરેલી સિનેમા હોલ છોડી જવા માટે વિનંતી અલ્લુ અર્જુને ન સ્વીકારતાં અંતે પોલીસ તેમને બળપૂર્વક થિયેટરની બહાર કાઢવા મજબૂર બની હતી.
મારું ચારિત્ર્યહનન કરાઇ રહ્યું છે: અલ્લુ અર્જુન
મુખ્યમંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યા બાદ અલ્લુ અર્જુને પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમણે કહ્યું, “મારું ઇરાદાપૂર્વક ચારિત્રય હનન કરાઈ રહ્યું છે. મેં માત્ર રૂફટોપ ઉપરથી લોકોનું અભિનંદન કર્યું હતું. મેં કોઈ રોડ શો નહોતો કર્યો. જો કાર્યક્રમની મંજૂરી નહોતી તો તેમણે મને પરત જવાનું કહ્યું હોત અને કાયદાને માનનારા એક નાગરિક તરીકે હું પરત ચાલ્યો પણ ગયો હોત.” તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી એક મહિલાનું મૃત્યુ થવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.