મોંઘવારીને લઈને શું આવ્યા રાહતના સમાચાર ? વાંચો
આર્થિક મોરચે દેશ માટે સોમવારે રાહતના સમાચાર આવ્યા હતા. જુલાઈમાં છૂટક ફુગાવો ઘટીને 3.54 ટકા થયો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે આવી ગયો છે. સોમવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છૂટક ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે રહ્યો છે. લાંબા સમય બાદ લોકોને રાહત મળી છે. જો કે સારા ચોમાસાને લીધે ઘણો ફેર પડ્યો છે.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છૂટક ફુગાવો જૂન 2024માં 5.08 ટકા અને જુલાઈ 2023માં 7.44 ટકા હતો. છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો દર ઘટવાની રાહ જોવાતી હતી. સરકાર અને બેન્ક દ્વારા રિટેલ મોંઘવારી અંગે ચિંતા પ્રગટ કરાઇ હતી.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના જણાવ્યા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો જુલાઈમાં 5.42 ટકા હતો, જે જૂનમાં 9.36 ટકા હતો. આમ જુલાઈમાં સ્થિતિ વધુ અનુકૂળ રહી હતી. લોકોને રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે.
છેલ્લી વખત સપ્ટેમ્બર 2019માં ફુગાવો 4 ટકાથી નીચે હતો. ત્યારબાદ 5 વર્ષે ફરી અપેક્ષા મુજબની હાલત રહી છે અને રિઝર્વ બેન્કના અંદાજ મુજબ આંકડો રહ્યો છે. આરબીઆઇના ટાર્ગેટથી રિટેલ મોંઘવારી નીચે આવી છે. રિટેલ મોંઘવારી સામે દેશના સામાન્ય વર્ગમાં નારાજી દેખાતી હતી અને રસોડાની દરેક ચીજ મોંઘી થઈ જતાં લોકોમાં દેકારો થયો હતો.