મુંબઇમાં વરસાદે શું કરી હાલત ? કેટલા મોત થયા ? જુઓ
મુંબઇમાં બુધવાર બપોર બાદથી શરૂ થયેલો વરસાદ વધુ ભારે બનીને મુંબાઇ ઉપર ત્રાટક્યો હતો અને ગુરુવારે પણ વરસાદે ભારે મુશ્કેલી સર્જી દીધી હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ હતું હતું. વરસાદને પગલે બનેલી દુર્ઘટનાઓમાં ગુરુવારે 6 લોકોના મોત થયા હતા. બુધવાર બપોરથી ગુરુવાર બપોર સુધીમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું હતું. પાલઘરમાં તો એટલો બધો વરસાદ હતો કે વિસ્તારમાં રેડ એલર્ટ સાથે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ હતી.
મુંબાઇ, થાણે,પૂણે સહિતના મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. મુંબઈમાં પણ અનેક વિસ્તારો જળબંબાકાર બની જતાં મુશ્કેલી ઊભી થઈ હતી. મુંબઈ સહિતના શહેરોમાં સ્કૂલ -કોલેજો બંધ રાખવી પડી હતી. ભાંડુપ, વસઇ, પાલઘર, અંધેરી સહિતના વિસ્તારોમાં રોડ તળાવ બની ગયા હતા. નાયબ મુખ્યમંત્રી ફડણવીસે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી હતી.
મુંબઇમાં રેલવે હવાઈ અને માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી. 14 જેટલી ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે સવારે મુંબઈની પરાની ટ્રેનો ધીમી પડી ગઈ હતી તો ક્યાંક થોડા સમય માટે ટ્રેનો અટકાવી દેવાઈ હતી. બપોર બાદ સેન્ટ્રલમાં ટ્રેનો ફરી શરૂ કરી દેવાઈ હતી.
કલ્યાણમાં વીજળી પડી; 3 મોત
દરમિયાનમાં ભારે વરસાદ સાથે મુંબાઈમાં કલ્યાણ વિસ્તારમાં વીજળી પડતાં 3 લોકોના મોત થયા હતા. આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. વાહનવ્યવહાર રોકાઈ ગયો હતો. માર્ગો સુનસાન બની ગયા હતા અને ચારેકોર પાણી જ દેખાતું હતું. 3 લોકોના મોત થયા બાદ તંત્રવાહકોએ લોકોને બહાર નહી નીકળવાની અપીલ પણ કરી હતી.
રાયગઢમાં પાણીમાં તણાઇ જતાં 2 મહિલાના મોત
મુંબઇમાં વરસાદે વિનાશ વેર્યા બાદ રાયગઢમાં પણ ભયંકર સ્થિતિ જોવા મળી હતી અને ચારેકોર પાણી જ પાણી દેખાતું હતું. આ દરમિયાન અહીં ખરીદી માટે નીકળેલી 2 મહિલાઓ પાણીમાં તણાઇ ગઈ હતી અને બંનેના મૃતદેહો ફાયર બ્રિગેડના કર્મીઓએ બહાર કાઢ્યા હતા. આ શહેરમાં દરેક રોડ તળાવ બની ગયા હતા અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ પણ રહી નહતી.
અંધેરીમાં મહિલા મેનહોલમાં પડતાં મોત
મુંબઇમાં ગુરુવારે પણ ભારે વરસાદ ચાલુ જ રહ્યો હતો અને ખાસ કરીને અંધેરી ઈસ્ટમાં સ્થિતિ વધુ વિકટ બની હતી. અહીં આવેલા ખુલ્લા મેનહૉલમાં 45 વર્ષના એક મહિલા પડી જતાં એમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વિપક્ષ દ્વારા ભારે ટીકા કરાયા બાદ બીએમસીની કમિટીને તપાસના આદેશ અપાયા હતા. મહિલાનું નામ વિમલા ગાયકવાડ હોવાનું બહાર આવ્યું હતું.