ફરી ખેડૂતોની દિલ્હી કૂચમાં શું થયું ? પોલીસે શું કર્યું ? વાંચો
એમએસપી સહિતની પોતાની માંગણીઓને લઈને ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહ્યું છે અને રવિવારે પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ બોર્ડરના વિરોધ સ્થળથી બપોરે 101 ખેડૂતોના ‘જૂથે’ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું, પરંતુ પોલીસે તેમને બહુ-સ્તરીય બેરિકેડ્સમાં અટકાવી દીધા હતા. ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે ફરી ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને વોટર કેનન ચલાવ્યા હતા. ઘર્ષણમાં 8 ખેડૂતો ઘાયલ થયા હતા અને બપોર બાદ ખેડૂતોએ રવિવાર માટેની દિલ્હી કૂચ મુલતવી રાખી દીધી હતી. ખેડૂતોએ રવિવારે પણ બેરીકેડ તોડી હતી. દરમિયાનમાં આંદોલનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો હતો અને બધા જ હાઇવે ખોલવાની માંગ કરાઇ છે. આજે તેના પર સુનાવણી થવાની છે.
પોલીસ અને સુરક્ષાકર્મીઓએ પહેલા વિરોધ કરી રહેલા ખેડૂતો પર ફૂલોની વર્ષા કરી અને તેમને પાણી પણ પીવડાવ્યું, પરંતુ જ્યારે વિરોધીઓ બેરિકેડ પર પહોંચ્યા ત્યારે તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. જેના કારણે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો વેરવિખેર થઈ ગયા હતા. તે પછી ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જાહેરાત કરી હતી કે ખેડૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે અને બેઠક યોજીને આગળના નિર્ણયો લેશે.
બીજી તરફ ખેડૂતોએ દાવો કર્યો છે કે ખેડૂતો પર વચ્ચે-વચ્ચે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં 8 ખેડૂતો ઘાયલ થયા છે. આ પહેલા પણ શુક્રવારે ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને તેમને વિખેર્યા હતા. કેન્દ્રને ચર્ચા માટે 48 કલાકનો સમય અપાયો હતો. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો હતો કે ટીયર ગેસના શેલથી લગભગ 16 ખેડૂતો ઘાયલ થયા છે. જે બાદ ખેડૂતોએ તેમની દિલ્હી તરફની કૂચ મોકૂફ રાખી હતી. પોલીસે કહ્યું હતું કે જે 101 ખેડૂતોને જવા દેવાની વાત હતી એમનું લિસ્ટ અમારી પાસે હતું પણ ખેડૂતો મોટી સંખ્યામાં આગળ વધવા માંગતા હતા.
પોલીસના દાવાને ખેડૂત નેતાઓએ નકાર્યા હતા અને કહ્યું હતું કે અમારી સાથે વાત થયા બાદ પણ 101 ખેડૂતોને જવા દેવાયા નથી. આમ આંદોલન ચાલુ જ રહેશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. ખેડૂત નેતાએ દાવો કર્યો હતો કે એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયો છે.
અમે બેઠક યોજીને આગળનો નિર્ણય લેશું; પઢેર
પંજાબના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેમનો વિરોધ રવિવારે 300 દિવસ સુધી પહોંચી ગયો. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળના ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર કેમ્પ કરી રહ્યા છે, જ્યારે તેમની દિલ્હી તરફની કૂચ સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવી હતી. પંઢેરે કહ્યું કે તેઓ ખેડૂતો સાથે બેઠક કરશે અને પછી આગળ નિર્ણય લેશે.