વિપક્ષે સરકાર સામે શું કર્યું ? વાંચો
- ક્યાંથી કૂચ કાઢી ?
- શેનો વિરોધ કર્યો ?
સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે સસ્પેન્શનના મુદ્દા પર સંઘર્ષ શરૂ થયો છે અને વિપક્ષ હઠાગ્રહી બનતા મામલો ગરમાયો છે. સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરીહતી. આ કૂચ સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી હતી.
આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરુદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. લોકશાહીમાં આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર છે. સંસદની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તે મામલે અમે સરકાર પાસે જવાબ માંગતા હતા.
સંસદમાં વિપક્ષી સાંસદોએ સંસદમાં 13 ડિસેમ્બરે થયેલી ચૂક મામલે હંગામો કરતા બંને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં લોકસભામાંથી કુલ 97 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે 13 સાંસદો, 18 ડિસેમ્બરે 33 અને સૌથી વધુ 49 સાંસદોને 19 ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.બુધવારે પણ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તમામ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે.