વડાપ્રધાન વતી ચાદર લઈને અજમેર ગયેલા કિરન રિજીજુએ શુ કહ્યું ? જુઓ
ભારત સહિત દુનિયાભરમાં ભક્તો ધરાવતા અજમેરના ખ્વાજા સાહેબની દરગાહને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે શનિવારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર લઈને અજમેર પહોંચ્યા હતા. એમણે એમ કહ્યું હતું કે દરગાહ પર અલગ દાવો કરનારા લોકોને એની મેળે જ જવાબ મળી ગયો છે. હું વડાપ્રધાન વતી ચાદર ચઢાવવા અહીં આવ્યો છું.
અજમેરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કિરેન રિજિજુએ અજમેર શરીફની દરગાહ પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા કિરેન રિજિજુએ કહ્યું કે, ‘અજમેરમાં ઉર્સ દરમિયાન ગરીબ નવાઝની દરગાહની મુલાકાત લેવી એ આપણા દેશની જૂની પરંપરા છે.’
વડાપ્રધાનનો સંદેશ ભાઈચારાનો છે; રિજિજુ
કિરેન રિજિજુએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘આ વખતે ઉર્સના અવસર પર મને ગરીબ નવાઝને ચાદર ચઢાવવાની તક મળી છે. વડાપ્રધાન મોદીજીનો સંદેશ ભાઈચારાનો છે અને સમગ્ર દેશે સાથે આવવું જોઈએ અને સાથે રહેવું જોઈએ. હું અજમેર દરગાહ જઈને અને દેશને એકજૂટ રહેવાનો સંદેશ આપી રહ્યો છું.’
દરગાહ કમિટી મારા મંત્રાલયને આધીન છે
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘ગઈકાલે અમે નિઝામુદ્દીન દરગાહ ગયા હતા અને ત્યાં પણ બધાની સાથે અમે ચાદર ચઢાવીને પ્રાર્થના કરી. ઉર્સના આ શુભ અવસર પર આપણે બધા દેશમાં સારું વાતાવરણ બનાવવા માંગીએ છીએ અને સંવાદિતાને બગાડે એવું કંઈ ન કરીએ.’ અજમેર દરગાહ પર વિવાદનો કોઈ અવકાશ જ નથી. અહીં આંતરિક વ્યવસ્થા કરનાર કમિટી મારા મંત્રાલયને આધીન છે.