સોમાલિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈક ; અનેક આતંકીના મોત
અમેરિકાએ સોમાલિયામાં આઈએસઆઈએસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે આ માહિતી આપી હતી. આ હુમલામાં, યુએસ સેનાએ સોમાલિયામાં ગુફાઓમાં છુપાયેલા અનેક આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે ટ્રમ્પે આતંકી સંગઠનને ખુલ્લી ધમકી આપી અને કહ્યું કે અમે તમને શોધીશું અને મારી નાખીશું.
ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું, ” મેં આઈએસઆઈએસના એક વરિષ્ઠ હુમલાના પ્લાનર અને અન્ય આતંકવાદીઓ પર સચોટ હવાઈ હુમલો કરવાનો આદેશ આપ્યો હતો જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો હતા.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ હવાઈ હુમલામાં આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા તે ગુફાઓ પણ નાશ પામી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ હુમલામાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું, “અમે ગુફાઓમાં છુપાયેલા આતંકવાદીઓને મારી નાખ્યા અને આ દરમિયાન નાગરિકોને કોઈ નુકસાન થયું નથી.” અમે એ રીતે જ કાર્યવાહી કરાવી છે.
દરમિયાનમાં ટ્રમ્પે આઈએસઆઈએસ સામે કાર્યવાહી કરવામાં ગુનાહિત વિલંબનો બાયડન પર આરોપ પણ મૂક્યો છે . એમણે કહ્યું કે અમે જે કાર્યવાહી કરી છે તે સાફ મેસેજ આપે છે કે અમેરિકી નાગરિકો પર હુમલા સહન કરાશે નહીં. જો થશે તો અમે એમને શોધીને મારી નાખશું.