પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘનું દુ:ખદ નિધન
વિશ્વમાં વખણાયેલ આર્થિક ઉદારીકરણના નિર્માતા
ગુરુવારે રાત્રે તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં ખસેડાયા અને ત્યાંજ અંતિમ શ્વાસ લીધા: ૯૨ વર્ષના નેતાની વિદાયથી દેશમાં આઘાતની લાગણી: બે વખત દેશના વડાપ્રધાન રહ્યા: મિતભાષી અને અજાત શત્રુ નેતાએ દેશના નાણામંત્રી તરીકે પણ સેવા આપી હતી
દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને એમના ચાહકોમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ હતી. ૯૨ વર્ષના મનમોહનસિંઘને ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુ:ખદ સમાચાર સાંભળીને કોંગ્રેસના ટોચના નેતાઓ હોસ્પિટલ ધસી ગયા હતા. ડો.મનમોહનસિંઘ વિશ્વપ્રસિધ્ધ આર્થિક સુધારાની જનક હતા. એમણે અર્થતંત્રને નવી દિશા આપી હતી.

એમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી અને તાબડતોબ પરિવારજનોએ એમને હોસ્પિટલ ખસેડ્યા હતા અને આઈસીયુમાં એમની સારવાર કરવામાં આવી રહી હતી પરંતુ એમની તબિયત વધુ લથડી ગઈ હતી અને એમણે દેહ છોડી દીધો હતો.
ડો.મનમોહનસિંઘનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨માં અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો.
મનમોહનસિંઘ બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા. ૨૦૦૪માં પ્રથમવાર તેઓ વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ ફરી ૨૦૦૯માં પણ આ પદ પર એમણે દેશની સેવા કરી હતી. ૧૯૯૧થી ૯૬ સુધી તેઓ દેશના નાણામંત્રી હતા. આ સમય દરમિયાન એમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી હતી જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. આ સુધારાઓને લીધે દેશ આર્થિક સંકટમાંથી બહાર આવ્યો હતો અને અર્થતંત્રને નવી દિશા મળી હતી. ડો.મનમોહનસિંઘે શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિધ્ધિ મેળવી હતી. એમણે ૧૯૬૨માં ઓક્સફર્ડ યુનવર્સિટીની અર્થશાસ્ત્રમાં ઉંચી ડિગ્રી મેળવી હતી. ૧૯૭૧માં તેઓ ભારત સરકારમાં જોડાયા હતા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા હતા. ૧૯૯૦માં એમની બાયપાસ સર્જરી થઈ હતી.
૨૦૦૪માં વડાપ્રધાન બન્યા : ડો. મનમોહન સિંઘ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ બાદ ૨૨મી મેના રોજ દેશના વડાપ્રધાનતરીકે નિયુક્ત થયા હતા અને પોતાની પ્રભાવક કામગીરી બતાવી હતી. ત્યારબાદ ૨૦૦૯માં બીજી વખત પણ વડાપ્રધાન પદે એમણે દેશની યાદગાર સેવા આપી હતી. ૨૦૧૪ સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. એમની સેવાને દેશ હંમેશા યાદ રાખશે.