ઝારખંડમાં આજે અંતિમ ચરણની 38 બેઠકો માટે આરપારની ટક્કર
ઝારખંડમાં 13મી નવેમ્બરે પ્રથમ ચરણમાં વિધાનસભાની 43 બેઠકો માટે મતદાન થઈ ગયા બાદ આજે હવે બાકીની 38 બેઠકો પર મતદાન થશે. 38 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં જેએમએમ ને 13 અને કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. ભાજપ બાર બેઠકો મેળવવામાં સફળ રહ્યો હતો. આ અંતિમ ચરણમાં જે ૩૮ બેઠકો પર રસાકસી નો જંગ છે તેમાં ગત ચૂંટણીની તુલનામાં વધુ છ બેઠકો પર ભાજપનું પલડું ભારે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન માટે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે તો ભાજપે આ રાજ્યમાં ભગવો ફરકાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી હતી.
ઝારખંડમાં આજે સંથાલ – પરગણાની 18 અને ઉત્તર છોટા નગરની 18 બેઠકો માટે મતદાન થશે.
સંથાલ પરગણા ની 18 બેઠકો સતા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતી રહી છે. એ વિસ્તારમાં ખુદ વડાપ્રધાન મોદીએ એક દિવસમાં બે સભા કરી હતી.. આદિવાસી મતદારોનું વર્ચસ્વ ધરાવતી આ બેઠકો પર ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેનનો દબદબો છે. હેમંત સોરેનને થયેલા જેલવાસ બાદ તેમના પ્રત્યે સહાનુભૂતિનું મોજુ હોય તેવું વિશ્લેષકો માને છે. હેમંત સોરને ‘ જેલ કા બદલા જીત ‘નું સૂત્ર આપ્યું છે. સામા પક્ષે ભાજપે બાંગ્લાદેશી અને રોહિંગિયા ઘૂસણખોરીને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ‘ એ ‘ લોકો રોટી બેટી અને માટી છીનવી જશે તેવી મતદારોને ચેતવણી આપી હતી.
યોગી આદિત્યનાથનું બટોગે તો કટોગે સૂત્ર મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડમાં પણ ગાજતું રહ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ બાદ મથુરામાં કૃષ્ણ મંદિર નિર્માણનો પણ હુંકાર કર્યો હતો.
આ દિગ્ગજ નેતાઓનું ભાવી દાવ પર
હેમંત સોરેન
બારહાઇટ ની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હેમંત સોરેન2009 થી ધારાસભાની તમામ ચૂંટણીમાં વિજેતા થતા આવ્યા છે. 2019 માં પ્રથમ વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા. 2024 માં જમીન કૌભાંડમાં ધરપકડ થયા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. પાંચ
મહિના બાદ જેલ મુક્ત થયા પછી ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા.
કલ્પના સોરેન
હેમંત સોરેનના પત્ની કલ્પના ચાવલા એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે.હેમંત સોરેનની ધરપકડ થયા બાદ ઝારખંડ મુક્તિ મોરચાની કમાન સંભાળી હતી. પેટા ચૂંટણીમાં 27000 મતની સરકારથી વિજય મેળવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ગંડેયની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કલ્પના સોરેન મહિલા મતદારોમાં લોકપ્રિયતા ધરાવે છે. આ ચૂંટણીમાં તેમણે 70 થી વધુ સભાઓ ગજાવી હતી.
બાબુલાલ મરાંડી
ઝારખંડ રાજ્યની રચના બાદ પ્રથમ મુખ્યમંત્રી બનેલા
ઝારખંડ મરાંડીએ ઝારખંડ વિકાસ મોરચા નામના પક્ષની સ્થાપના કરી હતી અને તે પક્ષના નેજા હેઠળ ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર રહ્યા બાદ તેમના પક્ષનું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. હાલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પ્રચારનું સુકાન સંભાળ્યું છે. ધનવારની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મરાંડી આદિવાસી સમાજ પર પકકડ ધરાવે છે.
જયરામ મહતા
ઝારખંડ લોકતાંત્રિક મોરચાના સ્થાપક અને પ્રમુખ જયરામ મહતા ઝારખંડમાં 15% વસ્તી ધરાવતા કુર્મી સમુદાયના સર્વોચ્ચ નેતા છે. આ વખતે ખુદ પોતે બેરમાં ડુમરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કુર્મી અને આદિવાસી મતદારો પરનો તેમનો પ્રભાવ જેએમએમ અને ભાજપ બંને માટે ચિંતા નો વિષય છે. આજે થનારા મતદાનમાં તેમના પક્ષના ચાર ઉમેદવારો મેદાનમાં છે.
ચંપાઈ સોરેન
એક સમયના હેમંત સોરેનના ગાઢ સાથી ચંપાઈ સોરેન માટે આ જંગ રાજકીય અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષ સમાન છે. સોરેનના શાસનકાળ દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્ત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.
જમીન કૌભાંડમાં ધરપકડ થવાને કારણે હેમંત સોરેને રાજીનામું આપ્યું ત્યારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે જેલમુક્તિ બાદ તેમને હટાવી હેમંત ફરી એક વખત મુખ્યમંત્રી બની જતા ચંપાઈ સોરેન
જેએમએમને અલવિદા કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. સેરાઈકેલાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ચંપાઈ સોરેન આદિવાસી મતદારો પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.
આજે કોના કેટલા ઉમેદવાર આજે મેદાનમાં?
ઇન્ડિયા ગઠબંધન
જેએમએમ 20
કોંગ્રેસ 13
સીપીઆઈએમ 3
આરજેડી 2
એનડીએ
ભાજપ 33
ASJU 5