આ દિવસથી શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના અણસાર, વાંચો
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે શિયાળાના દિવસો ઘટી ગયા
ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને શિયાળાના દિવસો પણ ઓછા નોંધાયા છે ત્યારે હવામાન નિષ્ણાતોએ ૨૨ ફેબ્રુઆરીથી શિયાળાની વિદાય શરુ થશે અને અને ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે તેવી માહિતી આપી છે. ફેબ્રુઆરીમાં હવે સુધી ઠંડીની કોઈ વિશેષ લહેર કે મોજું આવવાની શક્યતા એકદમ નહિવત છે.
આ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરી બાદ ક્રમશ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. આ દિવસો દરમિયાન દિવસ અને રાત્રીનું તાપમાન સામાન્ય જોવા મળશે. આ દિવસો દરમિયાન ઠંડીની કોઈ વિશેષ લહેર આવે તેવી શક્યતા હાલમાં નહિવત જોવા મળી રહી છે. ઉત્તર ભારત, હિમાલય અને ઉત્તરાખંડમાં થયેલી બરફ વર્ષાના કારણે હાલ ગુજરાતના તાપમાનમાં થોડો ઘટાડો થવાની સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ આ માત્ર શિયાળાની વિદાય સાથે જોવા મળે છે.
અત્યારે હિમાલય અને ઉત્તર ભારતની સાથે ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને પશ્ચિમની વિક્ષેપની અસર માનવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતમાં થોડી ઠંડીની સાથે પવનનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ આગામી એક અઠવાડિયા સુધી જોવા મળશે. જ્યારે વરસાદ કે અન્ય કોઈ વાતાવરણના અચોક્કસ ફેરફારોની શક્યતા પણ નહિવત છે. સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ પ્રકારનો નોંધપાત્ર ફેરફાર થશે નહીં, આ વર્ષ અલનીનોનું વર્ષ જોવા મળે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં બદલાવ થયો અને આ વર્ષે શિયાળ દરમિયાન ઠંડીના દિવસો ખૂબ ઓછા જોવા મળ્યા છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ વર્ષે બાકી રહેતા શિયાળાના દિવસો દરમિયાન નહીવત ઠંડી જોવા મળશે. ઉપરાંત 22 ફેબ્રુઆરી સુધી શિયાળાનું સામાન્ય તાપમાન જોવા મળશે. ત્યારબાદ ધીમા પગલે ઉનાળાની શરૂઆત થતી જોવા મળશે.
ઉનાળા પૂર્વે ઠંડીનો સામાન્ય રાઉન્ડ
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીની લહેર ગુજરાત સુધી આવી પહોંચી છે અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધતી ગઈ છે. આજની સ્થિતિ પ્રમાણે કચ્છનું નલિયા અને બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર સૌથી ઠંડું છે. તાજેતરમાં દેશના પહાડી વિસ્તારોમાં જે બરફવર્ષા થઈ છે તેના કારણે ગુજરાત સુધી ઠંડક પ્રસરી ગઈ છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પારો સખત ગગડી ગયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનની ગતિ વધવાની છે અને તેની સાથે તાપમાન નીચે જશે. ગુજરાતમાં પવનની ગતિ 20થી 30 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.